
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આદર્શ નિવાસી કાયદાકીય પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે મેળવ્યું જીવંત જ્ઞાન..
નિયામક આદિવાસી વિકાસ વિભાગ અને પ્રાયોજના વહીવટદારનાં માર્ગદર્શન હેઠળ સંચાલિત આદર્શ નિવાસી શાળા (કન્યા), સાપુતારાની વિદ્યાર્થીનીઓએ આજે વિશેષ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે વ્યવહારુ સમજ વિકસાવવાનો હતો.આજ રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાયેલી મુલાકાત દરમિયાન સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. શાંખલા તથા પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) વુમન હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન એચ. ખુરખુટે દ્વારા વિદ્યાર્થીનીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી તેમની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.જેમાં PSO ચેમ્બર તથા વાયરલેસ VHF સિસ્ટમ દ્વારા પોલીસ સંચાર વ્યવસ્થા કેવી રીતે કાર્યરત રહે છે તેની સમજ અપાઈ હતી.મહિલા સુરક્ષા અંતર્ગત સાંત્વના કેન્દ્ર અને મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.ઉપરાંત, બોડી વોર્ન કેમેરા અને કોમ્પ્યુટર શાખા જેવી આધુનિક ટેકનોલોજી આધારિત કામગીરી નિહાળી વિદ્યાર્થીનીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત મહિલા અને પુરુષ લોકઅપ, મુદ્દામાલ રૂમ, ક્રાઇમ રાઇટર વિભાગ, એકાઉન્ટ શાખા, LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો), બારણીશી તથા MOB શાખાની મુલાકાત કરાવી તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવી હતી.





