AHAVADANG

વઘઈના બારખાંધ્યા ગામે પશુપાલકો માટે આરોગ્ય કેમ્પ: 31 પશુઓની સારવાર, ડીવોર્મિંગ અને માર્ગદર્શન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બારખાંધ્યા ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ તેમજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, વઘઈ દ્વારા સંયુક્ત આયોજન હેઠળ પશુ સારવાર તથા ડીવોર્મિંગ કેમ્પ અને પશુપાલક ગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગામના પશુપાલકોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો. કુલ ૨૩ પશુપાલકો પોતાના ૩૧ પશુઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ જીવંત અને ઉપયોગી બન્યો હતો.

કેમ્પ દરમિયાન નિષ્ણાત ડૉ. મહેશકુમાર પી. માઢવાતાર, ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી અને ડૉ. સુનીલ બી. કાપડી દ્વારા પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. પશુઓમાં વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ નોંધાઈ હતી, જેમાં રીપીટ બ્રીડીંગ (૪), ગર્ભ નિદાન (૪), એનિસ્ટ્રસ (૯), અપચો (૪), ઝાડા (૧), ઘા (૨) તેમજ મસ્ટાઈટીસ/બાવલા નો સોજો (૭) જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. તમામ સમસ્યાઓનું સ્થળ પર જ નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ૨૬ પશુઓમાં ડીવોર્મિંગ (અંતરડાના જીવાણુઓ દૂર કરવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી, જે પશુઓના સ્વાસ્થ્ય સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

કેમ્પ દરમિયાન પશુપાલકો માટે ગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતોએ પશુપાલનમાં થતી સામાન્ય આરોગ્ય સમસ્યાઓ, તેમના નિવારણ અને પૂર્વ સાવચેતીના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને વઘઈ વિસ્તારમાં ફેલાતા પશુરોગો સામે રક્ષણ માટે કઈ રીતે પૂર્વ તૈયારી રાખવી તે અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતર્ગત પશુપાલકોને પ્રોત્સાહનરૂપે પશુપાલન વિષયક સાહિત્ય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા પશુઓ માટે જરૂરી મિનરલ મિક્ષ્ચર પણ આપવામાં આવ્યું હતું, જે પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી બનશે.

અંતમાં ડૉ. મહેશકુમાર પી. માઢવાતાર દ્વારા ઉપસ્થિત તમામ પશુપાલકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. એમ. ઈસ્લામ,ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

આવી પ્રવૃત્તિઓ દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને આધુનિક પશુપાલન તરફ પ્રોત્સાહિત કરી તેમની આવકમાં વધારો અને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે.

 

Back to top button
error: Content is protected !!