AHAVADANG

ગિરિમથક સાપુતારામાં રાષ્ટ્રીય એથ્લેટિક્સ મીટ-2026નો ભવ્ય પ્રારંભ, 10 રિજનલ ટીમોના 728 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

ગુજરાતના ગિરિમથક સાપુતારામાં રમતગમતનો રોમાંચ છવાયો છે. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય સમિતિની નેશનલ એથ્લેટિક્સ મીટ-2026-27નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ પ્રાદેશિક કચેરી દ્વારા આયોજિત અને PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, સાપુતારાના યજમાનપદે યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા 1થી 4 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલી જવાહર નવોદય વિદ્યાલયોની કુલ 10 રિજનલ ટીમોના 728 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

સ્પર્ધામાં અંડર-14ના 148, અંડર-17ના 295 અને અંડર-19ના 285 ખેલાડીઓ સહિત કુલ 728 યુવા ખેલાડીઓ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કરશે. અમદાવાદ, પુણે, જયપુર, ચંદીગઢ, ભોપાલ, શિલોંગ, લખનઉ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને પટણા સહિતની રિજનલ ટીમો સ્પર્ધામાં સામેલ થઈ છે.

ટ્રેક એન્ડ ફિલ્ડની વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓની કસોટી

ચાર દિવસીય રાષ્ટ્રીય રમતોત્સવ દરમિયાન 100, 200, 400, 800, 1500 અને 3000 મીટર દોડ ઉપરાંત હર્ડલ્સ, રિલે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ, પોલ વોલ્ટ, શોટપુટ, ડિસ્કસ થ્રો, જેવેલિન થ્રો, હેમર થ્રો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત ક્રોસ કન્ટ્રી અને વોક જેવી સ્પર્ધાઓ પણ યોજાશે.

ઉદ્ઘાટન પ્રસંગે ખેલાડીઓ દ્વારા એસેમ્બલી, શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ, ટોર્ચનું આગમન તથા ખેલાડીઓની પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવા ખેલાડીઓમાં રમતગમતની ભાવના, શિસ્ત અને નિયમોના પાલનની પ્રતિબદ્ધતા જોવા મળી હતી.

નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રમતગમતમાં પ્રતિભા સાથે શિસ્ત, સતત મહેનત અને રમતગમતની ભાવના અત્યંત મહત્વપૂર્ણ છે. સાપુતારા જેવા કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ સ્થળે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થવું ડાંગ જિલ્લા માટે પણ ગૌરવની બાબત છે.

સ્પર્ધાના સુચારુ આયોજન માટે જ્યુરી ઓફ અપીલ, ટેકનિકલ નિષ્ણાતો, રેફરી, જજ, ટાઈમકીપર્સ સહિતની વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. PM શ્રી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી રામ પ્રસાદ તિવારી સહિત અધિકારીઓ અને આયોજક ટીમ દ્વારા સ્પર્ધાના સફળ આયોજન માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ રાષ્ટ્રીય રમતોત્સવથી દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની સાથે એકબીજા સાથે મળવા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવવાની તક મળી રહી છે.

આ પ્રસંગે સાપુતારા નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસર સુશ્રી કલ્પના ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી શ્રી તુકારામ કર્ડીલે સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આયોજક ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!