AHAVADANG

નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયાની વૈદેહી સંસ્કાર ધામ મુલાકાત અનાથ બાળકો માટે સંવેદના વ્યક્ત કરી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે ગરીબ અને અનાથ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું અમૂલ્ય ઘડતર આપતી વૈદેહી સંસ્કાર ધામની નવસારી મહાનગરપાલિકાના નવ નિયુક્ત મેયર અશોકભાઈ ધોરાજીયાએ મુલાકાત લઈ બાળકોના જીવન અને તેમની જરૂરિયાતો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

વ્યસ્ત જાહેર જીવનમાંથી સમય કાઢીને મેયર અશોકભાઈ ધોરાજીયાએ સંસ્થાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંસ્થામાં અભ્યાસ કરતા બાળકો સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને ભવિષ્યના સપનાઓ વિશે જાણકારી મેળવી હતી. સાથે જ સંસ્થાના સંચાલકો સાથે નવા ઓરડા, છાત્રાલય અને અન્ય પાયાની સુવિધાઓના વિકાસ માટે જરૂરી સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મેયરે સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી નાગરિકોને આદિવાસી અનાથ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આગળ આવી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને સંસ્કારથી જ સમાજના વંચિત વર્ગના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.

વૈદેહી સંસ્કાર ધામના માર્ગદર્શક પૂજ્ય યશોદા દીદીએ જણાવ્યું હતું કે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા બાદ પણ અશોકભાઈ ધોરાજીયા જેવા જનપ્રતિનિધિ ગરીબ અને વંચિત બાળકોની ચિંતા કરે છે, તે સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે. તેમણે મેયરની સેવાભાવી ભાવના અને અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

મેયરની આ મુલાકાતથી સંસ્થાના બાળકોમાં નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે. સાથે જ સમાજના સક્ષમ વર્ગને પણ શિક્ષણ અને સંસ્કારના આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થવા માટે પ્રેરણા મળી છે. ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં કાર્યરત વૈદેહી સંસ્કાર ધામ માટે મેયર અશોકભાઈ ધોરાજીયાની આ મુલાકાત મહત્વપૂર્ણ અને યાદગાર બની રહી છે.

Back to top button
error: Content is protected !!