
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશના વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી સુશાસનના ઉજવણી કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત આજે “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે ડાંગ જિલ્લા માહિતી કચેરી (PWD કોલોની), આહવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા માહિતી કચેરીના તમામે તમામ કુલ બાર અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે કુલ 12 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સુશાસનના પ્રતીકરૂપે 12 વૃક્ષો રોપી પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં, પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોના જતન, સંવર્ધન અને રક્ષણ માટે શપથગ્રહણ પણ કર્યું હતું.
તેમણે વૃક્ષોને નિયમિત પાણી આપવું, તેની સંભાળ રાખવી તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉના વર્ષો દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો દરમિયાન આ પ્રાંગણમાં રોપવામાં આવેલા પચાસ જેટલા સંવર્ધિત છોડ, વૃક્ષોનું પણ આ કર્મયોગી દ્વારા સુપેરે જતન, સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના વધતા પડકારો સામે વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વૃક્ષો પ્રદૂષણ ઘટાડવા, જૈવ વૈવિધ્ય જાળવવા, વરસાદી ચક્રને સંતુલિત રાખવા તેમજ ભાવિ પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી સાથે વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સુશાસનના અવસરે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા “એક પેડ મા કે નામ” અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી સમાજ નિર્માણ માટે સૌને વૃક્ષારોપણ અને તેના સંવર્ધન માટે આગળ આવવા અપીલ કરી હતી.
–



