AHAVADANG

અહેવાલનો પડઘો : ડાંગનાં બોરખલ નજીક ચેકડેમનાં કામમાં ભ્રષ્ટાચારના અહેવાલ પ્રસિદ્ધ થતા અધિકારીઓ દોડતા થયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બોરખલ ગામ નજીક નિર્માણ પામી રહેલ ચેકડેમનાં કામમાં ઇજારદાર દ્વારા બેફામ પથ્થરો નાખી ભ્રષ્ટાચારને અંજામ અપાતો હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા અધિકારીઓ દોડતા થયા..

ડાંગ જિલ્લાનાં દમણગંગા વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેરની ટીમે સ્થળ મુલાકાત લઈ ચેકડેમમાં પથ્થરો નાખેલ ભાગને હિટાચી મશીનથી તોડી નાખી પથ્થરો દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

ડાંગ જિલ્લાનાં બોરખલ ગામ નજીક બની રહેલ ચેકડેમમાં ઇજારદાર દ્વારા ગેરરીતી આચરવામાં આવી રહી હતી અને નિમ્ન કક્ષાનું કામ કરવામાં આવી રહ્યુ હતુ.જેને લઇને અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા અને અહેવાલનો પડઘો પડતા સંબંધિત વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને કામ કરનાર એજન્સી સામે અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.મળતી માહિતી મુજબ આહવા તાલુકાના ટેબ્રુનઘરટા અને બોરખલ નજીક ખાપરી નદીના પટ્ટમાં દમણ ગંગા વિભાગ દ્વારા ચેકડેમનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતુ.પરંતુ ઈજારદાર દ્વારા નદીનાં પથ્થરો (રબ્બલ )નો બેફામ ઉપયોગ કરી વ્યાપક ગોબાચારી આચરવામાં આવતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠવા પામી હતી.ડાંગ જિલ્લામાં દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે,પરંતુ તેનું યોગ્ય આયોજનના અભાવે વરસાદી પાણીને નકામું વહી જતા અટકાવવા નક્કર પગલા ન લેવાતા ચોમાસા બાદ જિલ્લામાં પીવાના પાણી સહીત ખેતી, પશુપાલન માટે લોકોને વલખા મારવાની નોબત ઉભી થાય છે.જેના કારણે હાલ દમણગંગા જળ સંપત્તિ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બોરખલ અને ટેમ્બરુનઘરટાની વચ્ચે ખાપરી નદીનાં પટમાં બની રહેલ ચેકડેમમાં ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદ હેઠળ ઈજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ સાથે માસ્ક કોંક્રિટને બદલે નદીના મોટા પથ્થરોનો બેફામ ઉપયોગ કરી ગોબાચારી આચરવામાં આવી રહી હતી.જે રીતે ચેકડેમના બાંધકામમાં થઈ રહેલ ગેરરીતિ જોતા ચેકડેમ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જઈ નક્કામું બની જાય તેવી શક્યતા સેવાઈ રહી હતી.ત્યારે સરકારી કરોડો રૂપિયાની યોજના પાણીમાં જશે તેવી દહેસત સ્થાનિકો વર્ણવી રહ્યા હતા.તેવામાં બોરખલ નજીક હાલ બની રહેલ દમણગંગા વિભાગનો ચેકડેમની ગુણવતા જળવાય તે માટે ઇજારદારે ઉતારેલી વેઠને તાત્કાલિક બંધ કરાવી પથ્થરો નાખેલ માસ કોન્ક્રીટને તોડી નવેસરથી બનાવવામાં આવે તેવી લોકમાંગ સાથે વિવિધ અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.ત્યારે આ અહેવાલનો પડઘો પડતા સંબંધિત વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા.દમણગંગા વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર રાજુભાઈ ભોયેએ બોરખલ નજીક નિર્માણ પામી રહેલ ડેમની સ્થળ મુલાકાત લીધી હતી.અને ફરીયાદને ધ્યાનમાં રાખી હીટાચી મશીન વડે ખોદકામ કરી પથ્થરો દૂર કરી એજન્સી સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.જોકે હવે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!