AHAVADANG

ડાંગ જિલ્લામાં આભ ફાટયુ, 47થી વધુ કોઝવેકમ પુલો પાણીમાં ગરક,100 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ પડતા અનેક માર્ગો પર માટીનો મલબો,ભેખડો અને વૃક્ષો ધરાશયી થઈ પડતા વાહનવ્યવહાર ખોરવાયો, ડાંગ કલેકટરે શુક્રવારે પણ આંગણવાડી,શાળા,કોલેજોમાં રજા જાહેર કરાઈ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,ચીંચલી, ગારખડી, પીપલાઈદેવી,લવચાલી, સુબિર, સિંગાણા,બરડીપાડા,મહાલ,કાલીબેલ, પીંપરી,ભેંસકાતરી, ઝાવડા,વઘઇ, સાકરપાતળ,લહાનમાંળુગા સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બુધવારે રાત્રીનાં અરસાથી ગુરુવારે દિવસ દરમ્યાન બારે મેઘ ખાંગા થતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણાં અને ગીરા નદીઓ ગાંડીતુર બની ભયજનક સપાટી વટાવતા દ્રશ્યો બિહામણા બન્યા હતા.તો બીજી તરફ જંગલ વિસ્તારમાંથી વહેતા કોતરડા,વહેળા અને ઝરણાઓ પણ ગાંડાતુર બન્યા હતા.ડાંગ જિલ્લામાં આભ ફાટતા ગામડાઓને સાંકળતા નિચાણવાળા 47 થી વધુ કોઝવેકમ પુલો ઊંડા પાણીનાં ધસમસતા પ્રવાહમાં ગરક થઈ જતા 100 જેટલા ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી વિખુટા પડી પ્રભાવિત બન્યા હતા.સાથે જ ડાંગ જિલ્લાનું જનજીવન, પશુપાલન, ડેરી વ્યવસાય, સહીત વાહન વ્યવહાર ખોરંભે ચડી અશતપણે પ્રભાવિત બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે આંતરિક માર્ગો સહીત રાજય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઠેરઠેર માટીનો મલબો,પથ્થરો અને ભેખડો તથા વૃક્ષો ધરાશયી થવાનાં બનાવો બન્યા હતા.અમુક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનચાલકોએ હેમખેમ વાહનો બહાર કાઢ્યા હતા.ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતો મહત્વપૂર્ણ રાજય ધોરીમાર્ગનાં દેવીપાડાથી સાકરપાતળ સુધીમાં ઠેરઠેર અંબિકા નદીનાં પુર ફરી વળતા રાજય ધોરીમાર્ગ કલાકો સુધી અવરોધાયો હતો.સાપુતારા-વઘઇ માર્ગનાં ઠેરઠેર સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાતા આંતરરાજ્ય ધોરીમાર્ગમાં વાહનોની લાંબી કતારો જામી હતી.તેમજ આહવા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ, આહવા-વઘઇ રાજય ધોરીમાર્ગ,સુબિર નવાપુર આંતર રાજય ધોરીમાર્ગમાં પણ ઠેક ઠેકાણે માટીનો મલબો,પથ્થરો અને વૃક્ષો ધરાશયી થવાના પગલે આ માર્ગો વાહનવ્યવહાર માટે અવરોધાયા હતા.ડાંગ જિલ્લામાં નદી કાંઠા વિસ્તારમાં આવેલ ખેતરોમાંથી પુર ડાંગરનાં પાકને ઘસડી ગયુ હતુ.વધુમાં ભારે વરસાદનાં પગલે ડાંગ જિલ્લામાં નિચાણવાળા ગામડાઓમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ હતી.ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદનાં પગલે ત્રણેય તાલુકામાં ખાનાખરાબીનાં નુકસાન થયા છે.ડાંગ જિલ્લામાં ગુરુવારે અતિભારે વરસાદનાં પગલે ડાંગ કલેકટર એન.ડી.પરમાર દ્વારા તમામ શાળા,કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.જ્યારે  શુક્રવારે બીજા દિવસે પણ રેડ એલર્ટનાં પગલે ડાંગ કલેકટર એન.ડી.પરમાર દ્વારા જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે.ડાંગ જિલ્લાનો વઘઇ નજીકનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા.ડાંગની અંબિકા અને ગીરા નદી ભયજનક સપાટી પાર કરતા રમણીય બન્ને ગીરાધોધ અસલ મિજાજમાં જોવા મળ્યા હતા.બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવા તેમજ કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી.જોકે ડાંગ કલેક્ટર એન.ડી.

પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ, DGVCL તથા અન્ય સંબંધિત વિભાગોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત માર્ગોને ઝડપભેર ખુલ્લા કરવાની કવાયત હાથ ધરી છે.આ દરમિયાન વઘઈ–આહવા માર્ગ પર વહેલી સવારે વૃક્ષ પડતા વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર સ્થળ પર દોડી ગયું અને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો આહવા–સાપુતારા (NH-953) માર્ગ પર અનેક સ્થળોએ વૃક્ષો પડવા તેમજ ભૂસ્ખલનની ઘટના બનતાં વૃક્ષો દૂર કરવાની અને માર્ગ સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.મહાલ–સુબીર–વરસા માર્ગ પર પણ ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બાદ માર્ગ ખુલ્લો કરવા માટે કામગીરી ચાલી રહી છે.સાપુતારા સ્થિત વૈશાલી હોટલ નજીક વૃક્ષ તથા DGVCLનો એક હાઈટેન્શન (HT) વીજ થાંભલો ધરાશાયી થયો હતો. DGVCL સાપુતારાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી થાંભલાની સુરક્ષિત રીતે હેરફેર કરવામાં આવી અને માર્ગ પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો છે.મહાલ સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે બપોરે 11:20 કલાકની સ્થિતિ મુજબ પરિસ્થિતિ સામાન્ય છે. નજીકની નદી અને કોતરોમાં પાણીનું સ્તર નિયંત્રણમાં હોવાનું તંત્ર દ્વારા જણાવાયુ છે.આહવા–નવાપુર માર્ગના કિ.મી. 15/4 થી 15/6 વચ્ચે પણ માર્ગની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જાળવણી તથા સલામતીની કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!