AHAVADANG

ડાંગમાં ધાર્મિક લાગણી દુભાતા જનઆક્રોશ:-‘જય શ્રી રામ’ના નારા સાથે કલેક્ટર કચેરીએ જંગી વિરોધ પ્રદર્શન..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ગારખડી અને ઝરી ગામ નજીક સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાનો એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે. કુદરતી સૌંદર્ય અને પૌરાણિક મહત્વ ધરાવતા આ ધાર્મિક સ્થળે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા પ્રભુ શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી તેમજ માતા સીતાની મૂર્તિઓને નુકસાન પહોંચાડી ખંડિત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં ભારે આક્રોશ, રોષ અને તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાથી સ્થાનિક રહીશો, ધાર્મિક સંગઠનો અને ભક્તોની ધાર્મિક લાગણીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે.આ ઘટનાના વિરોધમાં અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સમગ્ર જિલ્લા મથક આહવા ખાતે એક અભૂતપૂર્વ અને વિશાળ જનમેદની સાથેનો વિરોધ પ્રદર્શન યોજાયો હતો. સામાન્ય રીતે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવાલયો અને માર્ગો પર ‘બમ બમ ભોલેનાથ’ના નારા ગૂંજતા હોય છે, પરંતુ આ અપ્રિય ઘટનાના વિરોધમાં સમગ્ર ડાંગ જિલ્લો ‘જય શ્રી રામ’ના ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો. સ્થાનિક આગેવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોના આહ્વાન પર આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા લોકો એકત્ર થયા હતા. જિલ્લાના બિરસા મુંડા સર્કલથી એક વિશાળ અને સંગઠિત રેલી નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા જિલ્લા કલેક્ટર અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને વિનંતી સાથે કડક માગણી કરવામાં આવી હતી કે, ધાર્મિક આસ્થા પર પ્રહાર કરનાર આ અજાણ્યા ઈસમો કે અસામાજિક તત્વોની સત્વરે ઓળખ કરી તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ દૃષ્ટાંતરૂપ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ ન ઘટે તે માટે જિલ્લાના તમામ મહત્વના અને પૌરાણિક ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને કડક બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવે પરિસ્થિતિ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, વનમાં માતા સીતાની મૂર્તિ ખંડિત થવાની ઘટના સંદર્ભે આહવા પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત કલમો હેઠળ જાણવા જોગ ફરિયાદ રજીસ્ટર કરીને ત્વરિત અને ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ તંત્ર પૂરી રીતે સતર્ક છે.તપાસની વિગતો આપતા એસ.પી. પૂજા યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને સ્થાનિક વિસ્તારના ૧૦૦ થી પણ વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. બનાવની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ના અધિકારીઓની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે જ બોલાવવામાં આવી હતી. સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા બાદ ખંડિત થયેલી મૂર્તિને પણ વધુ ફોરેન્સિક અને વૈજ્ઞાનિક ચકાસણી અર્થે FSL માં મોકલી આપવામાં આવી છે.એસ.પી. એ સ્પષ્ટ અને કડક શબ્દોમાં બાંહેધરી આપી હતી કે, તપાસ દરમિયાન જે પણ આરોપીઓ કે તત્વોની સંડોવણી સામે આવશે, તેમની સામે કાયદાના દાયરામાં રહીને અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પ્રસંગે ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,પી.પી.સ્વામીજી, સાધ્વી યશોદા દીદી,હેતલ દીદી સહીત ડાંગ જિલ્લાનાં પાંચ રાજવીઓ અને હિન્દૂ સંગઠનનાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!