
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના છેક છેવાડે આવેલી સુબીર તાલુકાની બીલીઆંબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ વિવિધ પરીક્ષાઓમાં અવ્વલ રહીને ફરીથી શાળાનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શાળાના CET પરીક્ષામા ૨૨, મુખ્યમંત્રી જ્ઞાનસાધનામા ૨૬, અને NMMS પરીક્ષામા પાંચ બાળકો રાજય કક્ષાના મેરીટમા સ્થાન પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુબીર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલી બીલીઆંબા ગામની પ્રાથમિક શાળા ખાતે ગત વર્ષે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. એવી આ શાળામા શિક્ષણ, રમતગમત, પર્યાવરણ સંવર્ધન, અને તમામ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અહીંના બાળકો ખૂબ જ ઉમદા પ્રદર્શન કરી શાળાનુ નામ રોશન કરી રહ્યા છે. આ વર્ષે લેવાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ધોરણ- ૫ ના વિધાર્થીઓ માટેની CET મા આ વર્ષે ૨૨ બાળકો મેરીટમા આવ્યા છે. એના આગલા વર્ષે પણ ૩૦ બાળકો અને ૨૦૨૩મા ૨૯ બાળકો મેરીટમા આવ્યા હતા. આમ, માત્ર ત્રણ વર્ષમા આ શાળાના કુલ ૮૧ બાળકોએ મેરીટમા આવી શાળા અને ગામનુ ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત ધોરણ-૮મા લેવામા આવતી મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામા ૨૬ વિદ્યાર્થીઓએ મેરીટમા આવી શાળાનુ નામ રોશન કર્યું છે. જેમા પણ ગત વર્ષે ૯ બાળકો, અને એના આગલા વર્ષે ૬ બાળકો મેરીટમા આવ્યા હતા. આમ, મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં કુલ ૪૧ બાળકોએ રાજયના મેરીટમા પોતાનું સ્થાન નોંધાવ્યુ છે. જે શાળા માટે ગૌરવની વાત કહી શકાય તે જ રીતે NMMS પરીક્ષામા પાંચ બાળકોએ રાજયના મેરીટમા પોતાનુ સ્થાન નોંધાવ્યું છે. જેમા બિન્યામીનભાઇ દિનેશભાઇ ગામીતે ૧૪૬ ગુણ સાથે સમગ્ર જિલ્લામા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધીમા NMMS પરીક્ષામાં ૪૫ બાળકોએ મેરીટમા આવી શાળા, અને ગામનુ ગૌરવ વધાર્યું છે.આ વર્ષે મેરીટમા આવેલા આ તમામ બાળકોનુ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત રાજય શિક્ષણ વિભાગના ઉપસચિવ શ્રી ભરતકુમાર એલ.ચૌધરી તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશભાઈ ત્રિવેદીના હસ્તે સન્માન કરવામા આવ્યુ હતુ.
આવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. જેમા આ શાળાના બાળકો શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીલીઆંબા શાળાનુ નામ રોશન કરી રહ્યા છે. જે બદલ શાળા આચાર્ય અને શાળાના તમામ શિક્ષકો, તથા SMC ના તમામ સભ્યો, તથા ગ્રામજનોએ બાળકોને અભિનંદન પાઠવ્યા છે.





