
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારાનાં રહેણાક વિસ્તારમાં આતંક મચાવનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો:-સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ, હજી અન્ય બે દીપડાની આશંકાઓ વચ્ચે વન વિભાગ સતર્ક..
ગુજરાતનાં એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનાં રહેણાક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના મુક્ત આંટાફેરાને કારણે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા હતા.આ દરમિયાન ગિરિમથક સાપુતારાનાં સરોવર કોલોની નજીક આવેલા ‘કલાકૃતિ આર્ટ એમ્પોરીયમ’ પાસે પરમદિવસે રાત્રિના સમયે એક દીપડાએ કૂતરીનાં બચ્ચાનો શિકાર કર્યો હતો.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાયો હતો.વસ્તી ધરાવતા વિસ્તારમાં દીપડાની સક્રિયતા વધી જતા સાપુતારા હોટલ એસોસિએશન દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગને તાત્કાલિક પાંજરૂ ગોઠવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.સાપુતારા હોટલ એસોસિએશન અને સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈને દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમાર એક્શન મોડમાં આવ્યા હતા.ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજનાં આર.એફ.ઓ.મંજુલાબેન ઠાકરેની ટીમ દ્વારા તાબડતોબ દીપડાને વહેલી તકે પકડવા માટે પ્રભાવિત વિસ્તારમાં બે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજની આ વ્યૂહરચના સફળ રહી હતી અને સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો એ જ ખૂંખાર અને કદાવર દીપડો વન વિભાગના પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.વન વિભાગના જણાવ્યા અનુસાર, પાંજરે પુરાયેલા આ નર દીપડાની ઉંમર આશરે ૫ થી ૬ વર્ષની હોવાનું અનુમાન છે. દીપડો પકડાતા જ સ્થાનિક રહીશો અને હોટલ સંચાલકોએ હાશકારો અનુભવ્યો છે.જોકે, દીપડો પકડાવા છતાં પણ હજી ખતરો પૂરો થયો નથી. સ્થાનિક સૂત્રો અને વન વિભાગની પ્રાથમિક આશંકા મુજબ, આ વિસ્તારમાં હજી પણ અન્ય બે દીપડા મુક્તપણે ફરી રહ્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે.હિલ સ્ટેશન પર આવતા સહેલાણીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે વન વિભાગ અત્યંત સતર્ક બની ગયું છે.શામગહાન આર.એફ.ઓ. મંજુલાબેન ઠાકરેની ટીમે બાકીના દીપડાને પણ વહેલી તકે પાંજરે પૂરવા માટે વધુ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર વિસ્તાર પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે..





