AHAVADANG

ગિરિમથક સાપુતારા વિસ્તારમાં ભૂકંપના બે હળવા આંચકા, તંત્ર અલર્ટ મોડ પર

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ડાંગ-સાપુતારા વિસ્તાર સહિત મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સરહદી વિસ્તારોમાં શુક્રવાર, તા. 14 ઓગસ્ટ 2026ના રોજ ભૂકંપના બે હળવા આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. અચાનક આવેલા આંચકાને પગલે કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના અહેવાલ મુજબ મધરાતે 12:05:59 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર જમીનથી આશરે 5 કિમી ઊંડાઈએ હતું. ત્યારબાદ સવારે 5:32:39 કલાકે 3.4ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો, જેની ઊંડાઈ આશરે 3 કિમી હતી.

બંને ભૂકંપનું કેન્દ્રબિંદુ ડાંગ સરહદ નજીક મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના કલવણ તાલુકા આસપાસ, 20.46°N અને 73.75°E વિસ્તારમાં નોંધાયું હોવાનું જણાવાયું છે. ભૂકંપના આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવા છતાં અત્યાર સુધી મોટા જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા આપદા વ્યવસ્થાપન તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને ધ્યાનમાં રાખીને લોકોને અફવાઓથી દૂર રહેવા, ગભરાટ ન ફેલાવવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા લોકોને ભૂકંપ દરમિયાન ગભરાયા વગર મજબૂત ટેબલ કે ખાટલા નીચે આશરો લેવા, માથું અને ગળું ઢાંકીને રાખવા તથા બારી, કાચ અને ભારે વસ્તુઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. ભૂકંપ સમયે લિફ્ટનો ઉપયોગ ન કરવો અને બહાર નીકળતી વખતે દોડધામ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત વિજળીના થાંભલા અને તૂટેલા વીજતારથી દૂર રહેવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક ડાંગ જિલ્લા આપદા નિયંત્રણ કક્ષ, પોલીસ મદદ (100), એમ્બ્યુલન્સ સેવા (108) અને અગ્નિશામક સેવા (101) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!