AHAVADANG

ડાંગની હેરીટેજ છુક છુક ગાડીમાં વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલની મુસાફરી..

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની ડુંગરડા–વઘઈ નેરોગેજ ટ્રેનમાં સાંસદ ધવલ પટેલની જનરલ કોચમાં મુસાફરી,સાથે 110 વર્ષ જૂના પુલનું નિરીક્ષણ..

વલસાડ-ડાંગનાં સાંસદ ધવલ પટેલ દ્વારા ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી વિસ્તારની રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.મુસાફરી દરમિયાન તેમણે સામાન્ય મુસાફરો અને આદિવાસી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન ડુંગરડા ખાતે આવેલ આશરે 110 વર્ષ જૂના રેલવે પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ અને પુલની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી.સાંસદ ધવલભાઈ પટેલે પુલની જરૂરી મરામત તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તે માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.મુસાફરી દરમિયાન અનેક વડીલો અને સ્થાનિક લોકો સાંસદને મળ્યા હતા.ખાસ કરીને કેટલાક વૃદ્ધ માતા-પિતાએ સાંસદ સાથે મુલાકાત કરી ભાવુક બની આંખોમાં ખુશીના આંસુ વ્યક્ત કર્યા હતા.આ દ્રશ્યો નિહાળી ટ્રેનમાં હાજર મુસાફરોમાં પણ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યુ હતુ.તથા મુસાફરો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને અનેક વડીલોએ સાંસદને આશીર્વાદ આપી તેમના કાર્યની પ્રશંસા કરી હતી.સાથે જ તેમણે આદિવાસી વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી રેલવે સુવિધાઓમાં વધારો, મુસાફરોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.આ પ્રવાસ દરમિયાન ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ કિશોર ગાવીત,ડાંગ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ઉષાબેન ધર્મેશભાઈ પટેલ,યુવા પ્રમુખ આઝાદસિંહ બધેલ,વઘઇનાં આગેવાન ધર્મેશભાઈ પટેલ સહિત અનેક કાર્યકરો અને સ્થાનિક આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ ટ્રેનમાં લોકોની સુવિધા, સલામતી અને વિસ્તારના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રેલવે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.સાંસદની આ મુલાકાત દ્વારા ડાંગ જિલ્લાના લોકોની લાગણીઓ, માંગણીઓ અને પ્રશ્નોને નજીકથી જાણી યોગ્ય સ્તરે પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!