
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના અને રસાકસી બાદ આખરે આહવા તાલુકા પંચાયતના પ્રમુખપદનું ચિત્ર સ્પષ્ટ થયું છે.આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કોંગ્રેસના વિણાબેન જયરામ ગાંગુર્ડેએ આજે તાલુકા વિકાસ અધિકારી (TDO) આર.બી. ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે.આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા પ્રમુખને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આહવા તાલુકા પંચાયતમાં રાજકીય પક્ષપલટા બાદ સર્જાયા હતા રોમાંચક સમીકરણો જેમાં આહવા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રારંભિક તબક્કે કોંગ્રેસે ૯ બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ને ૭ બેઠકો મળી હતી. જોકે, પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી યોજાય તે પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના એક ચૂંટાયેલા સભ્ય અચાનક જ ભાજપને સમર્થન આપતા બંને પક્ષોનું સંખ્યાબળ ૮-૮ બેઠકો સાથે સમાન થઈ ગયું હતુ. આ અણધાર્યા પક્ષપલટાને કારણે તાલુકા પંચાયતની સત્તાનું સુકાન કોણ સંભાળશે તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું હતું.બંને પક્ષો પાસે ૮-૮ સભ્યોનું સમાન સંખ્યાબળ હોવાને કારણે નિયમોનુસાર પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે લોટરી એટલે કે ‘ચિઠ્ઠી ઉછાળવાની’ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની દેખરેખ હેઠળ યોજાયેલી આ રોમાંચક પ્રક્રિયામાં નસીબ કોંગ્રેસના પક્ષમાં રહ્યુ હતું. ચિઠ્ઠી ખુલતાની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર વિણાબેન જયરામ ગાંગુર્ડેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ વિજયના સમાચાર વહેતા થતાં જ લાંબા સમયથી ચિંતામાં ડૂબેલા કોંગ્રેસના છાવણીમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતુ અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.આજરોજ આહવા તાલુકા પંચાયત કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરીની રૂબરૂમાં વિણાબેન ગાંગુર્ડેએ સત્તાવાર રીતે પ્રમુખની ખુરશી સંભાળી હતી.પદભાર ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે મીડિયા અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને આહવા તાલુકાના સર્વાંગી વિકાસ માટે કામ કરશે. ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના વિસ્તરણને તેમજ જનહિતના પ્રશ્નોના નિકાલને તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે.આ ગરિમાપૂર્ણ પદગ્રહણ સમારોહના પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોમાં મોતીલાલભાઈ ચૌધરી, બાબુભાઈ બાગુલ, મનીષભાઈ મારકણા, મુકેશભાઈ પટેલ તથા તાલુકાના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત તમામ નેતાઓએ આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ વિણાબેન ગાંગુર્ડેને શાલ ઓઢાડી અને મિઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા.આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે વિણાબેનના સક્ષમ અને પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ આહવા તાલુકા પંચાયત વિકાસના નવા આયામો સર કરશે.આહવા તાલુકા પંચાયતમાં આ પદગ્રહણ સાથે જ હવે સ્થાનિક પ્રશાસનને નવી દિશા મળશે. સ્થાનિક નાગરિકો પણ આ નવી ટીમ પાસેથી લાંબા સમયથી અટકેલા વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ અને વેગ મળશે તેવી આશા રાખી રહ્યા છે. સૌએ સાથે મળીને તાલુકાના ભલા માટે કામ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો..




