AHAVADANG

સાપુતારાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ સાપુતારા ખાતે નિયમોનાં પાલન હેઠળ બોટિંગ તથા રોપવેની એક્ટિવિટી છેલ્લા બે મહિના સુધી બંધ રાખવામાં આવતા પ્રવાસીઓ રઝળી રહ્યા છે.જોકે સાપુતારા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડોર મલ્ટી પર્પઝ હોલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં સ્પોર્ટસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરીને તંત્ર દ્વારા જ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોયનાં સુર ઉઠવા પામ્યા છે.ત્યારે આ બાબતે સ્થાનિક અધિકારીઓ નિંદ્રાધીન જોવા મળી રહ્યા છે.તેમજ સાપુતારાનાં ચીફ ઓફિસર દ્વારા તો પોતાનો પાંગળો બચાવ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યુ હતુ.રાજકોટ ખાતે આવેલ ગેમ ઝોનમાં ગોઝારી ઘટના બની હતી જેમાં આગ લાગવાથી કેટલાય લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવો પડ્યો હતો.જે બાદ સરકારે ઇમારતો અથવા મોટા હોલમાં એન્ટ્રી તથા એક્ઝિટ એમ બે દરવાજા હોવા જોઈએ તેવા નિયમ બનાવ્યા હતા.ત્યારે અહી સાપુતારા ખાતે આવેલ ઇન્ડોર મલ્ટી પર્પઝ હોલમાં એક જ દરવાજો હોવા છતાંય આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનાં અધ્યક્ષ સ્થાને આ હોલમાં 400 જેટલા વિદ્યાર્થીઓને બેસાડી સ્પોર્ટ્સ સંવાદ સાધવામાં આવતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા.જ્યારે નીતિ નિયમોને આધિન ચાલતી બોટિંગ તથા રોપવે સહિતની એક્ટિવિટી છેલ્લા બે મહિનાથી બંધ રાખવામાં આવતા સરકાર અમુકને ગોળ અને અમુકને ખોળ આપતી હોવાનાં સુર ઉઠવા પામ્યા છે.

અહી સાપુતારા ખાતે આવેલ ઇન્ડોર મલ્ટી પર્પઝ હોલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજરોજ સ્પોર્ટ્સ સંવાદ કાર્યક્રમ કરવા માટે પહોંચ્યા હતા.જોકે  આ હોલનો એક જ દરવાજો હોય જેની અધિકારીઓને જાણ હોવા છતા પણ આ કાર્યક્રમની પરવાનગી કેમ આપવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.તેમજ અહી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ડાંગ ભાજપાનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં જ આ નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવેલ છે. તેમ છતાં આ કાર્યક્રમ અટકાવવા કે અન્ય સ્થળે રાખવા  માટે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.ત્યારે અધિકારીઓએ જ્યારે ઘટના બનશે ત્યારે જોવાઈ જશેનું તથા બેધ્યાનપણાનું વલણ અપનાવી લીધુ હોય તેવું જોવા મળી રહ્યું છે.ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગિરિમથક સાપુતારા ખાતે કાર્યરત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.અહીં મલ્ટી પર્પઝ હોલમાં એક જ દરવાજો હોવા છતા પણ 400 જેટલા બાળકો સાથે મનસુખ માંડવીયાએ સ્પોર્ટ્સ સંવાદ કાર્યક્રમ કર્યો હતો.અને અહી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સુરક્ષામાં ચૂક કરી હોવાનું જણાઈ આવ્યુ હતુ. સાથે કેન્દ્રીય મંત્રીનાં કાર્યક્રમમાં જ નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય તો આમ જનતાની તો વાત જ ન થાય.આ સમગ્ર મામલાને લઈને સાપુતારા ચીફ ઓફિસર એસ.કે. મોવલિયા નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “સાપુતારા નોટિફાઇડ વિસ્તારમાં આવતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જવાબદારી મારી નથી.”ત્યારે અહીં સાપુતારા ચીફ ઓફિસર દ્વારા પોતાનો પાંગળો બચાવ કરવામાં આવ્યો હતો કે પછી ખરેખર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમના હદ વિસ્તારમાં નથી આવતો તે તો યક્ષ પ્રશ્ન જ બની રહ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!