
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા:-વઘઇમાં ટાઈ,આહવામાં કોંગ્રેસની બહુમતી,જેમાં આંતરિક જૂથબંધી કે ખોટા ઉમેદવાર પસંદગી ભાજપને ભારે પડી..
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજકીય ચિત્રમાં અનેક વિસંગતતાઓ સામે આવી છે. જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને સાંસદ પદ પર ભાજપનો દબદબો હોવા છતાં, તાજા પરિણામોએ ભાજપના નેતૃત્વ અને સંગઠન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.વઘઇ તાલુકા પંચાયતની તમામ 8 બેઠકો પર ટાઈ થવી એ સામાન્ય ઘટના નથી.આ પરિણામ ભાજપના મજબૂત ગઢમાં આંતરિક ગડબડનું સ્પષ્ટ સંકેત આપે છે. બીજી તરફ, આહવા તાલુકા પંચાયત પર કોંગ્રેસે 9 બેઠકો સાથે બહુમતી મેળવી ભાજપને ગઢમાં ગાબડું પાડી ઝટકો આપ્યો છે, જ્યારે સુબીર તાલુકામાં ભાજપ પોતાનો કિલ્લો અકબંધ રાખવામાં સફળ રહ્યો છે.ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની દગડીઆંબા બેઠક, જ્યાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પરિવારને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક સ્તરે ઉઠતા સવાલો સૂચવે છે કે વહીવટી આપખુદ શાહી અને બેજવાબદાર નીતિઓએ મતદારોમાં અસંતોષ પેદા કર્યો હતો.હવે મોટો સવાલ એ છે કે
ભાજપના મજબૂત રાજકીય પકડ ધરાવતા જિલ્લામાં આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ? શું આંતરિક જૂથબંધી ભાજપને અંદરથી ખોખલી કરી રહી છે? કે પછી ઉમેદવારી પસંદગીમાં પ્રદેશ મોવડી મંડળના ખોટા નિર્ણયો આ પરિણામ માટે જવાબદાર છે.આહવા, જે જિલ્લાનું મુખ્ય મથક છે અને જ્યાં ધારાસભ્યનું નિવાસ સ્થાન આવેલું છે, ત્યાં જ પ્રજાજનોની સમસ્યાઓ ઉકેલવામાં ઉણપ હોવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના જિલ્લા-1 બેઠક પર વિજય ભાજપના “સૌનો સાથ, સૌનો વિકાસ” ના દાવા પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
ડાંગની જનતાએ આપેલા આ મિશ્ર જનાદેશને ભાજપ માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાર્ટી આ પરિણામોમાંથી પાઠ શીખીને સંગઠન અને નેતૃત્વમાં સુધારા લાવે છે કે નહીં, નહીં તો આવનારા સમયમાં આ અસંતોષ વધુ ઊંડો થઈ શકે છે..





