GUJARATKUTCHMANDAVI

કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ નવેમ્બર : આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત કચ્છના ધારાસભ્યશ્રીઓએ લોકોને સ્પર્શતા વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી.જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ખેડૂતોની વાડીમાંથી ટ્રાન્સફોર્મર ચોરી તેમજ વાયર ચોરી અંગેના કેસોમાં કાયદાકીય પગલા લેવા અને ઝડપથી ફરિયાદ દાખલ કરવા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભચાઉના લખાવટ ગામે સ્કૂલ ઉપરથી પસાર થતી વીજ લાઈનને દૂર કરવા, ભૂકંપ બાદ ફાળવાયેલા પ્લોટને જૂની શરતો મુજબ ફાળવવા, લાકડીયા ગામે ખાનગી કંપની દ્વારા રોડ ઉપર દબાણ અને ગૌચર દબાણ સહિતના મુદ્દાઓની રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભાડાના સૂચિત રસ્તાઓના પ્લાન અને માલિકીના પ્લોટના વળતર અંગે રજૂઆત કરી હતી. ભુજ ધારાસભ્યશ્રીએ નખત્રાણાના ધીણોધર થાન વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ ટોલબૂથનું અંતર, લીલાશાહ ફાટકના કામકાજની પ્રગતિ, કેરા બળદિયા બાયપાસ, ખેડોઈ-લાખાપર ખાતે બેંક સુવિધા, ચેકડેમ મરામ્મત, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા સહાય વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ રેવન્યુ જમીન ઉપર વૃક્ષછેદન અંગે કાયદાકીય કાર્યવાહી, ફળ પકવવા માટેના વિવિધ કેમિકલને લઈને ફૂડ ડ્રગ્સ વિભાગની કામગીરી, ગૌચર જમીન, ગેરકાયદેસર માંસ મટનની દુકાનો, બિદડા ગામે જમીન સંપાદન, સાભરાઈ મોટી રસ્તાનું કામ, જનકપુર ગામે પીવાના પાણીની યોજના, ડેપા ગામે વાસ્મો આધારિત પાણીની વિતરણ વ્યવસ્થા, ધ્રબ અને વડાલા ગામે પાણીની ટાંકીનું નિર્માણ, ફાચરીયા સહિતના ગામોની સંયુક્ત પાણી પુરવઠા યોજના, પીવાના પાણીના ગેરકાયદેસર કનેક્શન, મનરેગાના કામોમાં વિલંબ, માંડવી અને મુન્દ્રામાં કેનાલોના કામો, આધારકાર્ડની કામગીરી, વીસી કર્મીઓને પેમેન્ટની ચૂકવણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જવાબ મેળવીને ઝડપથી ઉકેલ લાવવા તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને અગ્રતા આપીને નાગરિકોને કોઈ જ અગવડતા ના પડે દિશામાં કામગીરી કરવા તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!