દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને મોન્સુન, આયોજન સહિતના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
મંત્રીશ્રીએ જિલ્લામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને મોન્સુન, આયોજન સહિતના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ ચોમાસાની સિઝન હોય જિલ્લામાં શરૂ કરાયેલા કંટ્રોલ રૂમ, સુરક્ષા, ડેમની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ ઉપર માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ સંલગ્ન વિભાગોને માર્ગદર્શન આપતા ચોમાસા દરમિયાન તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે, ડેમની લાઇવ પરિસ્થિતિનું અપડેટ સતત મેળવવા, આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવે તો તેવા સંજોગોના સ્થળાંતરિત લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પાણી વિતરણ કરતા પહેલા ક્લોરીનેશન કરવા, પાણી ભરાય તેવા વિસ્તારમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા અને દવા છંટકાવ કરવાની કામગીરી કરવા સૂચના આપી હતી. ચોમાસા દરમિયાન તમામ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને એલર્ટ મોડમાં રહેવા નિર્દેશ આપ્યા હતા.
મંત્રીશ્રીએ જિલ્લામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત મંત્રીશ્રી દ્વારા આયોજનના બાકી રહેલા કામો તાકીદે પૂર્ણ કરવા અને અન્ય નવા કામોનું આયોજન કરવા અંગે સૂચના આપવામા આવી હતી. તેમજ પ્રગતિ હેઠળ રહેલા કામો અંગે પણ માહિતી મેળવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હેતલ જોશી, દ્વારકા પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



