DEVBHOOMI DWARKAKHAMBHALIYA

સેવા, સુરક્ષા અને સલામતી સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ

ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે કાર્યરત પોલીસ કેમ્પમાં ફૂલડોલ ઉત્સવ માટે જતા પદયાત્રીઓને મળી રહ્યો છે વિવિધ સેવાઓનો લાભ

પદયાત્રીઓની સલામતી માટે બેગ પર “જય દ્વારકાધીશ” સૂત્રના સ્ટીકરો તેમજ રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવાઈ

પોલીસ સેવા કેમ્પમાં પદયાત્રીઓને ભોજન, મસાજ, આરોગ્ય, નાસ્તો સહિતની સેવાઓ માટે પોલીસ જવાનો સતત ખડે પગે

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

રાષ્ટ્રની સુરક્ષા માટે જેમ જવાનો દિવસ કે રાત, ઠંડી કે ગરમી સહિત કઠિનથી કઠિન પરિસ્થિતિમાં ખડે પગે રહેતા હોય છે તેમ પોલીસ વિભાગના જવાનો પણ નાગરિકોની સેવા માટે સતત હાજર રહેતા હોય છે. ત્યારે આવું જ એક ઉમદા ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પૂરું પાડ્યું છે.

આપણા દેશ તથા રાજ્યની પ્રજા ઉત્સવ પ્રિય છે. ત્યારે આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માટે  શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં  શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા આવી રહ્યા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આરાધના ધામ ખાતે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ તકે  પુણ્યનું ભાથુ બાંધવા આવેલ પદયાત્રીઓ  જોશનાબેન તથા સાગર ઉપાધ્યાયે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના માટે હું પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત વયોવૃધ્ધ પદયાત્રીઓની આંખની તપાસ કરી ત્વરિત ચશ્મા સહિત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત પદયાત્રીઓની સલામતી ધ્યાને લઈ  “જય દ્વારકાધીશ” સૂત્રના સ્ટીકરો તેમજ રેડિયમ રિફ્લેક્ટર બેગ પર લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ કોઈ પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે ખરા અર્થમાં માનવ સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.

Back to top button
error: Content is protected !!