દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે પર્યટન પર્વ ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો
લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો સાહિત્ય રસ સાંભળી નાગરિકો થયા અભિભૂત
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકારના રમત – ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
પર્યટન પર્વ નિમિતે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય શ્રી પબુભા માણેકે જણાવ્યું હતું કે,ભારતની ભૂમિ ઉત્સવપ્રિય ભૂમિ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા નિર્દશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં પ્રવાસન ધામો ખૂબ જ વિકાસ કર્યો છે. દ્વારકાની પાવન ભૂમિના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ તકે ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરીને ના માત્ર સંસ્કૃતના મહત્વને ઉજાગર કરી પણ નાના તથા મધ્યમ વર્ગીય નાગરિકો માટે આજીવિકા પૂરી પાડી છે. બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તો મારી સૌ નાગરિકો તથા પ્રવાસીઓને અનુરોધ છે કે આપડે સ્વચ્છતા જાળવીએ તેમજ અન્યોને પણ પ્રેરિત કરીએ.
પર્યટન પર્વ નિમિતે ઝાંઝરી ગ્રુપ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોકડાયરાના સુર લહેરાવીને સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય કરી દીધું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરબતભાઈ હાથલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી શ્રી અમોલ અવતે, સામાજિક અગ્રણી શ્રી લુણાભા સુમણીયા, જગાભાઈ ચાવડા, ખેરાજભા કેર, મોહનભાઈ બારાઇ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકોએ ભવ્ય કાર્યક્રમ નિહાળ્યો હતો.