નવસારી ખાતે પૂરગ્રસ્ત પરિવારોને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગાદલાંનું વિતરણ : પુનઃસ્થાપન માટે સહયોગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રેલ રાહત કોલોની અને બાલાપીર દરગાહ વિસ્તારમાં રહેતા પૂરગ્રસ્ત પરિવારોને ગાદલાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કંપનીના પ્રતિનિધિઓએ અસરગ્રસ્ત પરિવારોને ગાદલાં અર્પણ કરી તેમની હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પૂર બાદ સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત કરવામાં આવી રહેલા પ્રયાસોમાં આ પ્રકારની સહાય અસરગ્રસ્ત પરિવારો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.
પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આ સામાજિક જવાબદારી અંતર્ગત કરવામાં આવેલી પહેલથી જરૂરિયાતમંદ પરિવારોને દૈનિક જીવનમાં જરૂરી સુવિધા પ્રાપ્ત થઈ છે. મુશ્કેલ સમયમાં કંપનીએ માનવતાનો અભિગમ અપનાવી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
સ્થાનિક રહેવાસીઓએ કંપનીના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહભાગિતા અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે તેમ જણાવ્યું હતું.




