GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના ઝરી ગામે પૂરગ્રસ્તોની વહારે કોંગ્રેસ સેવાદળ: અનંત પટેલના હસ્તે રાશન કીટ, ધાબળા અને તાડપત્રીનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી વિકટ પરિસ્થિતિના કારણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારોના ઘરોમાં રહેલી રાશન સામગ્રી, ઘરવખરી અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાક પરિવારોના મકાનો પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં તેઓ આશ્રયવિહોણા બન્યા છે.

આવી કપરા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વી.બી. શ્રીનિવાસજીના સહયોગથી વાંસદા તાલુકાના ઝરી ગામે પૂરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા માટે સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને રાશન કીટ ઉપરાંત ધાબળા અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિતરણ કરવામાં આવેલી રાશન કીટમાં ચોખા, ઘઉંનો લોટ, તુવેર દાળ, રસોઈ તેલ, મીઠું, હળદર, મરચું, ખાંડ, ચા,કાંદા, બટાકા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે અને તેઓ પોતાની દૈનિક જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે.

આ સેવા કાર્ય દરમિયાન વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત, ધનજીભાઈ, ગૌરાંગ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય, લતા પટેલ, અનિલ પટેલ, મિથુન પટેલ, અજય પટેલ, ઠાકોરભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ તેમજ કોંગ્રેસ સેવાદળના અનેક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકરોએ રાહત સામગ્રીના સુવ્યવસ્થિત આયોજનથી લઈને લાભાર્થીઓ સુધી સમયસર વિતરણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ સેવાદળ દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને સરકારી લાભ સમયસર મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.

રાહત સામગ્રી પ્રાપ્ત કરનાર પરિવારો દ્વારા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વી.બી. શ્રીનિવાસજી, ધારાસભ્ય અનંતભાઈ પટેલ તથા તમામ સેવાભાવી કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માનવસેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!