
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૨૫ જુલાઈ : ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે પાણી ભરાવા, ભેજ અને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, કમળો સહિત પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. આથી કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવાઓ, નિદાન અને સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ગામડાં તથા શહેરી વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ, લાર્વા નિયંત્રણ, ફોગિંગ તેમજ જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક નાગરિકે નીચે મુજબની તકેદારી રાખવી જરૂરી છે:
– માત્ર ઉકાળેલું અથવા શુદ્ધ પીવાનું પાણી જ વાપરવું.
– તાજું અને સ્વચ્છ ભોજન લેવું તેમજ ખુલ્લામાં વેચાતી ખાદ્ય વસ્તુઓનું સેવન ટાળવું.
– ઘરની આસપાસ તેમજ પાણી સંગ્રહના સ્થળોએ પાણી ભરાઈ રહેવા ન દેવું અને દર અઠવાડિયે પાણીના ટાંકા, કૂલર તથા અન્ય વાસણો સાફ કરવા.
-મચ્છરથી બચવા સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા, મચ્છરદાની અથવા મચ્છર પ્રતિરોધક સાધનોનો ઉપયોગ કરવો.
– ભોજન પહેલા અને શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોવાની ટેવ રાખવી.
-તાવ, ઝાડા-ઉલટી, શરીરમાં દુખાવો અથવા અન્ય અસામાન્ય લક્ષણો જણાય તો સ્વયં દવા લેવાને બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ અને સારવાર લેવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય સાવચેતી અને સ્વચ્છતા જાળવવાથી મોટાભાગના ચેપી રોગોથી બચી શકાય છે. દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની સાથે સમયસર આરોગ્ય સેવાઓનો લાભ લેવો જોઈએ. જિલ્લા આરોગ્ય તંત્ર તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.જિલ્લા રોગચાળો અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વરસાદી ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી કોઈપણ પ્રકારનો તાવ, ઝાડા-ઉલટી, સતત ઉલટી, કમળો અથવા અન્ય ચેપી રોગના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. સાથે જ ઘરની આસપાસ પાણી ભરાઈ રહેવા ન દેવું, મચ્છરોના પ્રજનન સ્થાનોનો નાશ કરવો, વ્યક્તિગત તથા સામૂહિક સ્વચ્છતા જાળવવી અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહી ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવવા, મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોથી બચવા જરૂરી તકેદારી રાખવા અને સ્વસ્થ, સુરક્ષિત તથા રોગમુક્ત કચ્છના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.



