
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરતા કલેક્ટર અનિલ રાણાવસિયા
ભુજ,તા-૨૮ જુલાઈ : : કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, કચ્છ દ્વારા અગાઉ મંજૂર થયેલી યોજનાઓને સુધારા મંજૂરી અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓને સૈદ્ધાંતિક બહાલી આપવામાં આવી હતી. આ સાથે જર્જરીત ઊંચી ટાંકીઓના ડિમોલિશન બાબતે સર્વેની કામગીરી, ટોલ ફ્રી નંબર ૧૯૧૬ હેઠળ આવતી ફરિયાદોની સમીક્ષા, નિષ્ક્રિય પાણી સમિતિઓ, પાણી સમિતિઓની પુનઃરચના, અસહકાર આપતી પાણી સમિતિઓ, જલસેવા આકલનની કામગીરી, જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય સ્તરે પાણીના સ્ત્રોત, લાંબા ગાળાના પાણીના આયોજન તથા પાણી વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે કલેક્ટર દ્વારા ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર એ વિવિધ યોજનાઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પાણી વિતરણ સુચારૂ કરવા ઓપરેટરોની નિમણૂક કરવા અને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાનું સંચાલન ગ્રામ પંચાયત તથા પાણી સમિતિને સોંપવા જણાવ્યું હતું. આ સાથે તાલુકાદીઠ પાણી વિતરણ અને પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ રહેણાંક મકાનો તથા તળાવ સહિતના સ્તરે થાય તે માટે વિવિધ વિભાગોના સંકલનથી નક્કર આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ડીવાયએસપીશ્રી એમ.જે. ક્રિશ્ચિયન, પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય પ્રાંત અધિકારી ઓ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.



