મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવાતા વિરોધ: ભરૂચમાં કોંગી કાર્યકરોએ સુત્રોચાર કર્યા, કહ્યું- ‘આ યોજનાના ભ્રષ્ટાચારમાં ભાજપના કેટલાક નેતાઓ સંડોવાયેલા’



સમીર પટેલ, ભરૂચ
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને ‘VB-G RAM G’ કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. આના ભાગરૂપે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી.ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે, મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેથી કોંગ્રેસ આ નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ, મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા, યુવા નેતા શેરખાન પઠાણ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, ઝુબેર પટેલ, માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.



