
રણસીપુર બેઠક બિનહરીફ, વિજાપુરમાં ભાજપના મેન્ડેટ વિવાદે ગરમાવ્યો માહોલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પરિસ્થિતિ દિવસેને દિવસે રસપ્રદ બની રહી છે. તાલુકા પંચાયતની રણસીપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઝવેરબેન અરખાજી દ્વારા જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં મોડું થતા તેમનું ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠર્યું હતું. પરિણામે ભાજપના ઉમેદવાર વર્ષાબેન વિજયભાઈ તડવી બિનહરીફ જાહેર થયા હોવાનું સામે આવ્યું છે. તાલુકાના વજાપુર ગામમાં ભાજપના મેન્ડેટ મુદ્દે વિવાદ ઊભો થયો છે. અગાઉ જાહેર કરાયેલા મેન્ડેટમાં જીતુભાઈનું નામ જાહેર કર્યા બાદ અચાનક તેને કાપી સતીષભાઈ પટેલને મેન્ડેટ આપતા ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ નિર્ણયને લઈને સ્થાનિક સ્તરે અસંતોષ અને ચર્ચાઓ તેજ બની છે.
અપક્ષ મોરચે પણ બદલાવ જોવા મળ્યો છે. એક મહિલા અપક્ષ ઉમેદવારનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ થતાં હવે મેદાનમાં ત્રણ અપક્ષ અને કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે જ ટક્કર રહેશે.
રણસીપુર બેઠક બિનહરીફ થવા અને પાલિકા વોર્ડોમાં ઉમેદવારોના અભાવ અંગે આપ અને કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉમેદવારો નહીં મળવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ બનશે.




