MEHSANAVIJAPUR

વિજાપુરમાં ઘઉં સંશોધન કેન્દ્રની એસડીએયુના કુલપતિ એ મુલાકાત લીધી ખેડૂતકેન્દ્રિત સંશોધન, ગુણવત્તાયુક્ત બિયારણ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા સૂચના

વિજાપુરમાં ઘઉં સંશોધન કેન્દ્રની એસડીએયુના કુલપતિ એ મુલાકાત લીધી ખેડૂતકેન્દ્રિત સંશોધન, ગુણવત્તાયુક્ત બિયારણ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા સૂચના
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય (એસડી.એ.યુ.)ના કુલપતિ ડૉ. રાજેન્દ્રસિંહ ચંદેલે વિજાપુર તાલુકા સ્થિત ઘઉં સંશોધન કેન્દ્ર તેમજ લાડોલ કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લઈને સંશોધન કામગીરી, બીજ ઉત્પાદન કાર્યક્રમો અને ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃત્તિઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન ઘઉં સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. જે. વિહોલે ઘઉં અને તમાકુ પાક અંગે ચાલી રહેલા સંશોધન, નવી અને સુધારેલી જાતોના વિકાસ, ગુણવત્તાયુક્ત બિયારણ ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, કુદરતી સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ખેડૂતો સુધી ટેક્નોલોજી પહોંચાડવા માટે હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
કુલપતિ ડૉ. ચંદેલે વૈજ્ઞાનિકો સાથે સંવાદ સાધી ખેડૂતકેન્દ્રિત અને પરિણામલક્ષી સંશોધનને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોને સમયસર ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પ્રમાણિત અને વિશ્વસનીય બિયારણ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસો કરવા માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા સંશોધનો, બદલાતી આબોહવાની પરિસ્થિતિને અનુરૂપ કૃષિ ટેક્નોલોજીના વિકાસ અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા નવીન સંશોધન અભિગમ અપનાવવા વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા હતા.
ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે ચાલી રહેલા સંશોધન અને બીજ ઉત્પાદન કાર્યક્રમોની કામગીરીની પ્રશંસા કરતાં કુલપતિશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વધુ ખેડૂતહિતલક્ષી તથા પરિણામલક્ષી સંશોધન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, આચાર્ય અને ડીન ડૉ. એસ. ડી. સોલંકી, કાર્યપાલક ઇજનેર ડૉ. આલોક ગોરા, સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!