વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી , તા. ૧૦ જુલાઈ: રાજ્યના કર્મચારીઓના સૌથી મોટા સંગઠન કે જેના પર તમામ કર્મચારીઓ તથા અન્ય સંગઠનોની મીટ મંડાયેલી હોય છે એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ( સરકાર માન્ય) નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યસંઘના ચૂંટણી પંચના અધ્યક્ષ સંજય પટેલને ટાંકીને વિશેષ માહિતી આપતા કચ્છ જિલ્લાના રાજ્યના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આગામી ૩ વર્ષની મુદ્દત માટે યોજાનાર આ ચૂંટણી સંદર્ભે ગત ૯ જુલાઈના રોજ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. આગામી ૧૪ જુલાઈ, રવિવારના રોજ ફોર્મ ભરવા, ચકાસણી કરવા, ફોર્મ પરત ખેંચવા ઉપરાંત આખરી યાદી પ્રસિદ્ધ કરવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તો ૨૧ જુલાઈ રવિવારના રોજ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે મતદાન યોજાશે અને એજ દિવસે બપોર પછી મતગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રમુખ અને મહામંત્રીની આ ચૂંટણીમાં જે તે જિલ્લાના પદનામિત હોદ્દેદારો જ ઉમેદવારી નોંધાવી શકે છે. દરેક જિલ્લામાંથી ૧ -૧ પદનામિત હોદ્દેદારની વરણી કરવામાં આવે છે. મતદાનમાં કચ્છના ૨૨ સહિત રાજ્યના કુલ ૪૭૪ રાજ્ય પ્રતિનિધિઓ પોતાના મતદાન અધિકારનો પ્રયોગ કરશે.