AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામા ૬૦ ગ્રામ પંચાયતો તથા એક વોર્ડ મળી ૬૧ પંચાયતોમા યોજાશે ચૂંટણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા,તા:૨૯: આહવા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે અગત્યની બેઠક યોજાઈ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી રાજ્યના વિવિધ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને, ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ ચૂંટણી કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠક, જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, અને પોલીંગ સ્ટાફને ખૂબ જ સંવેદનશીલતા સાથે જરૂરી તાલીમ મેળવી, ઝીરો ટોલરન્સ સાથે ચૂંટણીલક્ષી કામગીરી અદા કરવાની હિમાયત કરી હતી.

દરમિયાન કોઈપણ કર્મચારીઓને અનિવાર્ય સંજોગો સિવાય રજા ઉપર ન જવા, અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. જુન માસમાં યોજનારી ચૂંટણી સંદર્ભે વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારી સૂચના આપી હતી. દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એસ.ડી.તબિયારે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતદાન મથકો, અને પોલીસ બંદોબસ્ત જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયાએ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતી ધરાવતા ડાંગ જિલ્લામાં સંદેશા વ્યવહારની મર્યાદાને ધ્યાને લેતા શેડો એરિયામાં સૂચારૂ સંદેશા વ્યવહાર જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની  અપીલ કરી હતી. જ્યારે મતદાન મથકો અને પરિસરની આસપાસના દુરસ્તીકામોની બાબતે પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.

આદર્શ આચાર સંહિતાના જિલ્લાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે, આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અંગેની જાણકારી મેળવી હતી.

Back to top button
error: Content is protected !!