GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધૂળેટી પર રાજકોટ જિલ્લામાં ઈમરજન્સી ૧૦૮ના કેસોમાં ૧૮.૮૪ ટકાનો વધારો થવાની સંભાવના

તા.૧૩/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખનઃ સંદીપ કાનાણી

સમગ્ર ગુજરાતમાં રંગપર્વે ૨૯.૮૮ ટકા ઈમરજન્સી કેસો વધી શકે

છેલ્લાં કેટલાક વર્ષોના કેસોના આધારે ‘ઈમરજન્સી ૧૦૮’ની આગાહી

Rajkot: હોળી-ધૂળેટીના રંગપર્વને લોકો ઉત્સાહ સાથે માણતા હોય છે, પરંતુ આ દિવસોમાં સાવધાનીના અભાવ તેમજ ક્યાંક બેદરકારી જેવા કારણોસર રોડ અકસ્માત, પડી જવા-વાગવા તેમજ હુમલા સહિતની ઘટનાઓના કારણે ઈમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. ‘ઈમરજન્સી ૧૦૮’ દ્વારા છેલ્લાં કેટલાક વર્ષોના કેસોના આધારે આગાહી કરવામાં આવી છે છે, જે મુજબ ધુળેટી પર રાજકોટ જિલ્લામાં આ વખતે ઈમરજન્સી કેસોમાં ૧૮.૮૪ ટકા જ્યારે સમગ્ર ગુજરાતમાં ૨૯.૮૮ ટકાનો વધારો થઈ શકે છે.

૧૦૮-ઈ.એમ.એસ., ઈ.એમ.આર.આઈ.-ગુજરાતના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિએ પાછલા વર્ષોના ડેટા અનુસાર એવી આગાહી કરી છે કે, રાજ્યમાં ૧૩મી માર્ચ ૨૦૧૫ના હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં ૩.૬૧ ટકા જ્યારે ધુળેટીના દિવસે ૨૯.૮૮ ટકાનો વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં રોજ ૩૭૩૫ કેસ નોંધાતા હોય છે, તેની સામે હોળીના દિવસે ૩૮૭૦ કેસ અને ધુળેટીના દિવસે ૪૮૫૧ કેસ નોંધાઈ શકે છે.

રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં ઈમરજન્સી ૧૦૮માં ૨૦૭ કેસ રોજ નોંધાય છે. પરંતુ હોળીના દિવસે ૨૦૬ કેસ જ્યારે ધુળેટીએ ૧૮.૪૪ ટકાના વધારા સાથે ૨૪૬ કેસ નોંધાવાની શક્યતા છે. આ ઈમરજન્સી કેસોમાં રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન- વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.

રોડ અકસ્માતના રાજ્યમાં રોજ સરેરાશ ૪૮૨ કેસ નોંધાય છે. જેની સામે હોળીના દિવસે ૬૫૬ કેસ (૩૦.૧૦ ટકા વધુ) અને ધૂળેટીએ ૯૧૧ કેસ (૮૯ ટકા વધુ) કેસો નોંધાઈ શકે છે.

હોળી-ધુળેટી પર શારીરિક હુમલા અને પડી જવાથી થતા ઈજા થવા સહિતના ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) કેસોમાં વધારો થતો હોય છે. રોજ સરેરાશ ૩૯૫ કેસ નોંધાતા હોય છે, તેની સામે હોળીના દિવસે ૫૨૮ કેસ (૩૩.૬૭ ટકા વધુ) જ્યારે ધુળેટીએ ૯૦૭ કેસ (૧૨૯.૬૨ ટકા વધુ) કેસો નોંધાઈ શકે છે.

મહત્ત્વનું છે કે, રંગપર્વ પર વિવાદોના કારણે શારીરિક હુમલા વધતા હોય છે. જેના લીધે હુમલાથી ઈજાના કેસોમાં હોળીના દિવસે ૭૨.૯૩ ટકા એટલે કે ૨૩૦ કેસ જ્યારે ધુળેટીના દિવસે ૨૪૩ ટકા એટલે કે ૪૫૭ કેસ નોંધાઈ શકે છે. જે સામાન્ય દિવસોના ૧૩૩ કેસની સરખામણીએ વધુ છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડ જિલ્લામાં આવા કેસ વધુ નોંધાય છે. ધુળેટીના દિવસે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ૨૦ ટકાથી વધુ ઈમર્જન્સી કેસો જોવા મળી શકે છે. હોળી-ધુળેટી પર ઝેર-ઝેરી અસરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. પોઇઝનિંગ, ટોક્સિસિટીના સામાન્ય દિવસોમાં ૭૬ કેસ નોંધાય છે. જેની સામે હોળીના દિવસે ૭૬ (૧.૩૨ ટકા) જ્યારે ધુળેટીના દિવસે ૧૧૨ (૪૭.૩૬ ટકા)નો વધારો થઈ શકે છે.

શ્રી જશવંત પ્રજાપતિએ નાગરિકોને હોળી તથા ધૂળેટી પર્વની શુભકામના સાથે પોતાને તથા પરિવારને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. તેમણે તમામ નાગરિકોને સલાહ આપી છે કે, મુસાફરી કરતી વખતે સાવધાની રાખે અને અકસ્માત ટાળવા માટે સંયમપૂર્ણ રીતે વાહન ચલાવે. સૌને જવાબદારીપૂર્વક ઉત્સવ ઉજવવા અને એવા વિવાદો ટાળવા અપીલ છે, જે શારીરિક હુમલાના કેસોને જન્મ આપી શકે.

તેમણે ઉમેર્યું હતું કે, ઈમર્જન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, ૮૩૮ એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય.

Back to top button
error: Content is protected !!