
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સમયમર્યાદા બાદ પણ અરવલ્લી સિવિલ અધૂરી, જનતામાં રોષ , કોંગ્રેસે સ્થળ નિરીક્ષણ કરી તંત્રને ઘેર્યું – ૩૧ માર્ચ સુધી સેવા શરૂ નહીં થાય તો આક્રમક આંદોલન કરશે કોંગ્રેસ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળે મોડાસા ખાતે સિવિલ હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામ તેમજ આયુર્વેદિક હોસ્પિટલની કામગીરીની સ્થળ પર મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચાલી રહેલા કામની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને કામગીરીમાં થયેલા વિલંબ અંગે કડક રજૂઆત કરવામાં આવી હતી. સ્થળ પરના અધિકારીઓ દ્વારા બાકી રહેલી કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા રામધુન બોલાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો તા. ૩૧ માર્ચ સુધી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ સંપૂર્ણ સેવાઓ સાથે શરૂ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લાવાસીઓ સાથે મળી આક્રમક આંદોલન શરૂ કરશે.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે મોડાસા સિવિલ હોસ્પિટલનું બાંધકામ જાન્યુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ થવાનું હતું, પરંતુ તે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામ પૂર્ણ થયું નથી, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો બન્યા ને ૧૧ વર્ષ વીતી ગયા છતાં જિલ્લાવાસીઓને સંપૂર્ણ આરોગ્ય સુવિધાઓનો લાભ મળતો નથી.તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદિક હોસ્પિટલની સેવાઓ પણ સંપૂર્ણ રીતે શરૂ થઈ શકી નથી અને એક વર્ષ અગાઉ મંજૂર થયેલ મેડિકલ કોલેજ અંગે પણ જમીન ફાળવણી અથવા બાંધકામ જેવી નક્કર કામગીરી શરૂ થયેલી દેખાતી નથી. આ પરિસ્થિતિ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વિકાસ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે.હાલની સ્થિતિમાં જિલ્લાના નાગરિકોને અકસ્માત સહાય, કેન્સર સંબંધિત સહાય, TKR તથા અન્ય આરોગ્ય પ્રમાણપત્રો અને દિવ્યાંગ સર્ટિફિકેટ જેવી જરૂરી સેવાઓ માટે અન્ય સ્થળોએ જવું પડે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થતા સતત અન્યાયને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જનતાના હક્ક માટે ઉગ્ર લડત લડશે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પવાર, ડો રાજન ભગોરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.





