સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો:કહ્યું- ‘મારા પિતાએ આખુ જીવન ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું પણ મને હંમેશા નકારવામાં આવ્યો’



સમીર પટેલ, ભરૂચ
ભરૂચના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે.
ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના સ્વર્ગસ્થ પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું હતું અને તેમણે પણ પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે તેમને નકારવામાં આવ્યા છે.
આ નિર્ણય પહેલા, ફૈઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો ભરૂચ બેઠક તેમને ન ફાળવવામાં આવે તો તેઓ અને કોંગ્રેસના સમર્થકો પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં આપે.
ફૈઝલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખશે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમનો પરિવાર રહેશે. તેમણે તેમને ટેકો આપનારા તમામ નેતાઓનો આભાર પણ માન્યો છે. ફૈઝલના આ નિર્ણયે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તેમના ભવિષ્યના રાજકીય પગલાં પર સૌની નજર છે.



