GUJARATIDARSABARKANTHA

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ‘પ્રાકૃતિક ખેતી જનઅંદોલન’ને વેગ આપતો સાબરકાંઠાનો પ્રગતિશીલ રાજેન્દ્રસિંહ કુંપાવાતનો પરિવાર: શિક્ષણ અને સ્વાસ્થ્યનો અનોખો સમન્વય

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ‘પ્રાકૃતિક ખેતી જનઅંદોલન’ને વેગ આપતો સાબરકાંઠાનો પ્રગતિશીલ રાજેન્દ્રસિંહ કુંપાવાતનો પરિવાર: શિક્ષણ અને સ્વાસ્થ્યનો અનોખો સમન્વય
**
ડિગ્રીધારી સાસુ દક્ષાબા અને વહુ આરતીબાની જોડીએ ઘરના ઉંબરાની સાથે સાંભળ્યા ખેતરના શેઢા: ઘરમાં પણ કેમિકલમુક્ત લગ્નપ્રસંગ યોજીને આપ્યો નારીશક્તિનો અનોખો આદર્શ
**
ખેતરથી સીધું ઘર સુધી’: વડાલીના ભવાનગઢમાં તૈયાર થયું પ્રકૃતિ અને પ્રોગ્રામિંગનું ગૌરવવંતું ‘પ્રાકૃતિક કૃષિ મોડેલ’
**
‘ઓજસત્વ’ બ્રાન્ડ હેઠળ ૩૦થી વધુ કુદરતી ઉત્પાદનો: દેખાવ નહિ પણ ગુણવત્તા અને શુદ્ધતાના ભરોસા સાથે વાર્ષિક રૂ. ૧૦ લાખથી વધુની કમાણી
***
ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા ઋતુચક્ર સામે ‘બેક ટુ નેચર’નો સચોટ મંત્ર: દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિથી ધરતીમાતાના પોષણનું ભગીરથ કાર્ય
*
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આહ્વાન પર સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું એક અનોખું જનઅંદોલન ચાલી રહ્યું છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અતિરેકથી ધરતીમાતાને બચાવવા અને નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડવાના આ મહાયજ્ઞમાં સાબરકાંઠાના વડાલી તાલુકાનું ભવાનગઢ ગામ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

ભવાનગઢ ગામના ૬૪ વર્ષીય નિવૃત્ત આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ ભૈરવસિંહ કુંપાવાત અને તેમનો ઉચ્ચ શિક્ષિત પરિવાર આજે પરંપરાગત ખેતીની રૂઢિઓમાંથી બહાર આવીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમાજને ‘ખેતરથી સીધું ઘર સુધી’ શુદ્ધ અને સાત્વિક આહાર પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. એમ.એ., બી.એડ., એલ.એલ.બી. અને બી.પી.એડ. જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ ધરાવતા પૂર્વ આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ માત્ર વર્ગખંડ પૂરતા સીમિત ન રહેતા, આજે યોગા એન્ડ ફિટનેસ ટ્રેનર તરીકે સક્રિય છે અને ૬૦ વર્ષથી વધુની વયજૂથમાં માસ્ટર એથ્લેટિક્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

શિક્ષણ અને ફિટનેસના આ સંસ્કારોને તેમણે જમીનની ફળદ્રુપતા જાળવવાના મિશન સાથે જોડી દીધા છે. વર્ષ ૨૦૧૮માં ‘સરદાર ફર્ટિલાઈઝર’ સામયિકમાંથી પ્રેરણા મેળવીને શરૂ થયેલી આ સફર આજે ૨૦ વીઘા જમીનમાં લહેરાતા પ્રાકૃતિક પાકો અને વાર્ષિક રૂ. ૧૦ લાખથી વધુની સમૃદ્ધ કમાણીનું ગૌરવવંતું મોડેલ બની ચૂકી છે.

આ વૈજ્ઞાનિક ખેતીની સફળતાની પાછળ માત્ર પુરુષ પ્રધાન મહેનત નથી, પરંતુ ઘરની ઉચ્ચ શિક્ષિત નારીશક્તિનો સજ્જડ અને સૈયારો પુરુષાર્થ રહેલો છે.

શ્રી રાજેન્દ્રસિંહના ધર્મપત્ની ૬૦ વર્ષીય શ્રીમતી દક્ષાબા કુંપાવાત જેઓ બી.એ., એમ.એ. અને લાઈબ્રેરી સાયન્સનું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે, તેમજ મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ૨૮ વર્ષીય પુત્રવધૂ શ્રીમતી આરતી મોહિતસિંહ કુંપાવાત—આ સાસુ-વહુની શિક્ષિત જોડીએ ઘરના ઉંબરાની સાથે ખેતરના શેઢા સાંભળ્યા છે અને ખભેખભો મિલાવીને પ્રાકૃતિક કૃષિને અપનાવી છે.

એટલું જ નહીં, તેમની દીકરી રિદ્ધિએ આયુર્વેદનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને ખેતરમાં જ વિવિધ ઔષધિઓ ઉગાડીને આયુર્વેદિક હેર ઓઈલ જેવી મૂલ્યવર્ધિત (Value Added) પ્રોડક્ટ્સ બનાવવાનું સાહસ શરૂ કર્યું છે.

આ પરિવારે પોતાના ઘરમાં એવો આદર્શ સ્થાપિત કર્યો છે કે, તાજેતરમાં પરિવારના બે બાળકોના લગ્નપ્રસંગે મહેમાનોને બજારના કેમિકલયુક્ત કે ભેળસેળવાળા શાકભાજી, દૂધ, દહીં, છાશ કે પનીરના બદલે સંપૂર્ણપણે પોતાના ખેતરમાં જ જૈવિક પદ્ધતિથી પકવેલું શુદ્ધ ભોજન પીરસીને સમાજ સમક્ષ એક નવો ચીલો ચાતર્યો હતો. આજે આ પરિવાર પાસે ૧૦ જેટલી ભારતીય નસ્લની દેશી ગાયો છે, જેના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી તેઓ જમીનનું અમૃત તત્વ જાળવી રહ્યા છે.

કુંપાવાત પરિવારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત પાકોનું શ્રેષ્ઠ મૂલ્યવર્ધન કરીને ‘ઓજસત્વ’ બ્રાન્ડ હેઠળ ૩૦થી વધુ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બજારમાં મૂકી છે. તેમના ખેતરમાં તૈયાર થતી તુવેર દાળ, અડદ દાળ, મગ દાળ, ચણા દાળ, દેશી ચણા, કાબુલી ચણા, ચોળા, આખી તુવેર, લસણ, ડુંગળી, કેળા, પપૈયા, હળદર, બાજરી-મકાઈનો લોટ, બીટરૂટ પાવડર, આમળા પાવડર, મેથી, સુકા ધાણા, કસ્તુરી મેથી, રાઈ, કાળા તલ, જવ, બંસી ઘઉં, મકાઈ રાતરું, લીંબુ, શુદ્ધ સિંગતેલ અને ગીર ગાયનું પ્યોર ઘી સીધું જ ગ્રાહકો સુધી પહોંચે છે.

શ્રી રાજેન્દ્રસિંહ મક્કમતાપૂર્વક જણાવે છે કે, અમારો મુખ્ય હેતુ ગ્રાહકોના રસોડા સુધી પ્રકૃતિનો મૂળ સ્વાદ પહોંચાડવાનો છે. આજના આકર્ષક અને ચમકદાર બજારમાં પ્રોડક્ટ્સને પોલિશ કરવા માટે વપરાતા રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી ‘ઓજસત્વ’ની દાળ કે કઠોળ પર કોઈપણ પ્રકારનું આર્ટિફિશિયલ પ્રોસેસિંગ કરવામાં આવતું નથી. માત્ર ન્યૂનતમ જરૂરી પ્રક્રિયા કરીને તેના કુદરતી પોષક તત્વો અકબંધ રાખવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા ઋતુચક્રના પડકારો વચ્ચે પણ પ્રકૃતિ સાથે સુમેળ સાધીને થતી આ ખેતી માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ ગ્રાહકોમાં એક અતૂટ ‘વિશ્વાસ’નું વાવેતર કરી રહી છે.

વડાલીના કુંપાવાત પરિવારની આ પહેલ સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનું એક સચોટ દિશાદર્શન પૂરું પાડે છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!