વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ડાંગ વન વિભાગના ચિચિનાગાવઠા રેન્જના પીપલી રાઉન્ડ ફોરેસ્ટમાં સમાવિષ્ટ દાવદહાડ ગામ નજીકના જંગલમાં બુધવારે સાંજના સુમારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી,આગના કારણે જંગલ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અને વન્ય સંપદાને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એફ કંપાર્ટમેન્ટ નંબર ૬૧ માં દવ લાગેલ છે પિંપરી રાઉન્ડ ફોરેસ્ટના દાવદહાડ ગામની સીમમાં આવેલા જંગલમાં અચાનક આગની જ્વાળાઓ દેખાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને સૂકા ઘાસ તથા વૃક્ષોને લપેટમાં લઈ લીધા. આગની તીવ્રતાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા, જે દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જો કે, ગરમી અને સૂકા પર્ણોના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હોવાથી વનકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગને બુઝાવવા માટે સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆત થતાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની જતી હોય છે, ત્યારે આ ઘટનાએ વન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.આ ભીષણ આગના કારણે જંગલના વૃક્ષો, છોડવાઓ અને અન્ય વન્ય સંપદાને ભારે નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત, જંગલમાં વસતા પશુ-પક્ષીઓ અને અન્ય જીવોના જીવન પર પણ ખતરો ઉભો થયો છે. વન વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ નુકસાનનો સચોટ આંકડો જાહેર કરવામાં આવશે.આ ઘટનાએ ફરી એકવાર જંગલોની સુરક્ષા અને જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઉનાળાના સમયમાં જંગલોને આગથી બચાવવા માટે વધુ સઘન પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે.