સંતરામપુરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: મુખ્ય માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

સંતરામપુરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર:
મુખ્ય માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો.
***
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુરના ગોધરા ભાગોળથી બાયપાસ રોડ સુધીનો રસ્તો ૩૦ જુલાઈ સુધી વન-વે રહેશે
****
મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંતરામપુરના મુખ્ય માર્ગ એવા ગોધરા ભાગોળ ચોકડીથી કારગીલ પેટ્રોલ પંપ સુધીના રસ્તા પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની અત્યંત જરૂરી કામગીરી હાલ પ્રગતિમાં છે. આ માર્ગ શહેરનો મુખ્ય અને વ્યસ્ત રસ્તો હોવાથી ત્યાં જેસીબી, ટ્રેક્ટર અને અન્ય ભારે મશીનરી વડે ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને વાહનચાલકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિકના નિયમન માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ મળેલી સત્તાની રૂએ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ગોધરા ભાગોળ ચોકડી (સરદાર પટેલ સર્કલ) થી આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (બાયપાસ રોડ) સુધીના રસ્તાને અસ્થાયી ધોરણે ‘વન-વે’ જાહેર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન સામેથી આવતા વાહનો માટે સંતરામપુર-ઝાલોદ બાયપાસ રોડનો ડાયવર્ઝન અથવા વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે જેથી મુખ્ય માર્ગ પર મશીનરી દ્વારા થતી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને અકસ્માતની શક્યતાઓ નિવારી શકાય.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ અને ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



