DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા અને ચીકદા તાલુકામાં MRC સમિતિની રચના*

દેડિયાપાડા અને ચીકદા તાલુકામાં MRC સમિતિની રચના*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/08/2026 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને ચીકદા તાલુકામાં જેટકો (GETCO)ની વીજ લાઇન અને ટાવરની કામગીરીને કારણે ખેડૂતોની જમીન તથા પાકના વળતર સંબંધિત પ્રશ્નોનો પારદર્શક, તટસ્થ અને ન્યાયી નિકાલ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

ખેડૂતોની રજૂઆતોને પ્રાધાન્ય આપીને વળતરની પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાઈ રહે તે માટે દેડિયાપાડા અને ચીકદા એમ બંને તાલુકા માટે માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના કરવામાં આવી છે. આ સાથે વળતરના યોગ્ય મૂલ્યાંકન માટે વિવિધ પક્ષોના પ્રતિનિધિ વેલ્યુઅર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.

 

MRCની રચના અંતર્ગત જેટકો (GETCO) દ્વારા નિયુક્ત વેલ્યુઅર, જિલ્લા વહીવટી તંત્ર (DM) દ્વારા નિયુક્ત વેલ્યુઅર તેમજ ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવેલા માન્ય વેલ્યુઅરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના વેલ્યુઅર્સની સહભાગિતાથી જમીન અને પાકના વળતરનું તટસ્થ તથા વાસ્તવિક મૂલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

 

સમિતિની રચના પૂર્ણ થતાં હવે દેડિયાપાડા અને ચીકદા તાલુકામાં સંબંધિત સ્થળોએ રૂબરૂ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે. નિમણૂક પામેલા વેલ્યુઅર્સ જેટકોની ટીમ તથા મહેસૂલી અધિકારીઓ સાથે સંકલન કરીને સ્થળ પર જમીન, પાક અને અન્ય સંબંધિત બાબતોની ચકાસણી કરી વળતરના મૂલ્યાંકનની આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

આ માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા સંબંધિત જમીનની વાસ્તવિક બજાર કિંમત (Market Value) તથા પાકના નુકસાન સહિતની બાબતોને ધ્યાને લઈ યોગ્ય વળતર નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા, તટસ્થતા અને યોગ્ય મૂલ્યાંકન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ, જેટકો, મહેસૂલી તંત્ર અને નિમણૂક પામેલા વેલ્યુઅર્સ વચ્ચે સંકલન સાધી આગળની કાર્યવાહી ત્વરિત ગતિએ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

 

આ નિર્ણયથી દેડિયાપાડા અને ચીકદા તાલુકાના ખેડૂતોના જમીન તથા પાક વળતર સંબંધિત પ્રશ્નોના યોગ્ય અને ન્યાયી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.

 

000000

Back to top button
error: Content is protected !!