GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ક્લાયમેન્ટ ચેન્જના લીધે ગુજરાતના પણ ત્રણ જિલ્લા પર ગંભીર ખતરો, નવા ક્લાયમેટ રિપોર્ટમાં ચેતવણી

વધતા વૈશ્વિક તાપમાનના કારણે ભારતના હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે, જેમાંથી દેશના દરિયાકાંઠા પણ બાકાત નથી. ભારતમાં હીટવેવનો ગાળો વધુ લાંબો અને તીવ્ર બની રહ્યો છે. જે વિસ્તારોમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ પડતો હતો, ત્યાં પણ હવે અત્યંત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ક્લાયમેન્ટ ચેન્જના લીધે ગુજરાતના પણ ત્રણ જિલ્લા પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા ક્લાયમેટ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. જે ભારતની 11,000 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટીના મૂલ્યાંકન પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2040 સુધીમાં ભારતના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાં પૂર, ભારે વરસાદ, વધતું તાપમાન અને દરિયાઈ સપાટી વધવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. આગામી 15 વર્ષમાં આ અસરો વધુ તીવ્ર બનશે, જે દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા લાખો લોકોને અસર કરશે.

આ રિપોર્ટમાં દેશના જે શહેરોને ક્લાયમેટ ચેન્જ સામે અત્યંત સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાત અને તેના અગ્રણી જિલ્લાના મુખ્ય શહેર સુરતનો ખાસ સમાવેશ થાય છે. વધતા જતાં ગ્લોબલ વોર્મિંગના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સુરત જેવા શહેરી કેન્દ્રો પર પૂર, દરિયાઈ સપાટીમાં વધારો અને અતિશય ગરમીની આશંકા સાથે હવામાનનું જોખમ તોળાઈ રહ્યું છે.

ગુજરાતના 3 મુખ્ય શહેરો આ જોખમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે.

સુરતમાં સંભવિત અસરો: પૂર, અતિશય ગરમી અને અરબી સમુદ્રમાંથી ચક્રવાત(વાવાઝોડા)નું જોખમ.

ભાવનગરમાં સંભવિત અસરો: દરિયાકાંઠાનું ડૂબવું, ખારાશમાં વધારો અને સ્ટોર્મ સર્જ(વાવાઝોડાના તીવ્ર મોજા).

પોરબંદરમાં સંભવિત અસરો: ચક્રવાત, સમુદ્રની સપાટીમાં વધારો અને મત્સ્યઉદ્યોગ (Fisheries) પર માઠી અસરો.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડા વધુ મજબૂત બની રહ્યા છે. હિમાલયની હિમનદીઓ પીગળી રહી છે અને ભારતના વિશાળ દરિયાકાંઠે દરિયાઈ સપાટી વધી રહી છે. જેના પરિણામે હવામાનમાં અનિશ્ચિતતા વધી છે. લાંબા દુષ્કાળ પછી અચાનક વાદળ ફાટવાની ઘટનાઓ, વારંવાર આવતા પૂર અને તીવ્ર દુષ્કાળના કારણે ખેતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈકોસિસ્ટમ અને લાખો લોકોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે.

મુંબઈ, ચેન્નાઈ, કોચી, વિશાખાપટ્ટનમ, કોલકાતા, મેંગલુરુ અને ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ તેમજ કેરલમના દરિયાકાંઠાના શહેરો આ યાદીમાં સામેલ છે

મુંબઈ: દરિયાઈ સપાટીમાં વધારો, સ્ટોર્મ સર્જ (દરિયાઈ મોજા ઉછળવા) અને ભારે વરસાદ એમ ત્રણેય જોખમનો સામનો કરશે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે.

ચેન્નાઈ અને તમિલનાડુ: મજબૂત ચક્રવાત, ભારે વરસાદ, શહેરી પૂર, દરિયાઈ ધોવાણ અને મીઠા પાણીના સ્ત્રોતોમાં ખારાશ વધવાની સમસ્યા નડશે.

પૂર્વીય કાંઠો (વિશાખાપટ્ટનમ, કાકીનાડા, પુરી, પારાદીપ): દરિયાનું તાપમાન વધવાથી ચક્રવાતની તીવ્રતા અને પૂરનું જોખમ વધશે.

કેરલમ (કોચી, કોઝીકોડ): ભારે વરસાદ, પૂર અને દરિયાઈ ધોવાણ સાથે ‘વેટ-બલ્બ’ તાપમાન (અતિશય ગરમી અને ભેજનું જોખમી મિશ્રણ) વધશે.

બંગાળ અને સુંદરબન: કોલકાતા અને હલ્દિયામાં નદી અને દરિયાના કારણે પૂરનું જોખમ વધશે, જેથી ખેતી અને માનવ વસાહતો જોખમાશે.

સંશોધકોના મતે, બદલાતા હવામાનના કારણે મત્સ્યોદ્યોગ, ખેતી, પ્રવાસન, બંદરો અને અન્ય દરિયાકાંઠાના ઉદ્યોગો ખોરવાઈ શકે છે, જે લાખો લોકોની આજીવિકાનો આધાર છે. આ ઉપરાંત રસ્તા, વીજળી વ્યવસ્થા, બંદરો અને મકાનો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વારંવાર આવતી કુદરતી આફતોનું દબાણ વધશે.

રિપોર્ટમાં પૂર વ્યવસ્થાપનમાં સુધારો, ક્લાયમેટ-રેઝિલિયન્ટ (હવામાન સામે ટકી શકે તેવું) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરિયાકાંઠાની ઈકોસિસ્ટમની પુનઃસ્થાપના અને સારું શહેરી આયોજન જેવા અનુકૂળ પગલાં તાત્કાલિક લેવા અપીલ કરાઈ છે. જો અત્યારથી પગલાં નહીં લેવાય, તો વર્ષ 2040 સુધીમાં ભારતના દરિયાકાંઠાના શહેરોએ ભારે વરસાદ, ઊંડા પૂર અને જોખમી ગરમીનો સામનો કરવો પડશે.

Back to top button
error: Content is protected !!