GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ડેપ્યુટી ડીડીઓ દ્વારા કરાયેલા અમાનવીય ફરમાનના પગલે કર્મચારીનો હોબાળો

પતિનું અવસાન થતાં મહિલા કર્મચારીને હાજર થવાના હઠાગ્રહ કરવો ભારે પડયો

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ દ્વારા કરાયેલા અમાનવીય ફરમાનના પગલે ફિટકારની લાગણી ફેલાવાની સાથે કર્મચારીઓ હોબાળો મચાવ્યો હતો. શુક્રવારે ડીડીઓએ ૩૬ ક્લાર્કને બઢતી આપી તે પૈકીના એક મહિલા કર્મચારીના પતિનું તે દિવસે જ અવસાન થયુ હતું અને ડેપ્યુટી ડીડીઓ દ્વારા તેમને હાજર થઇને સહિ કરવાનો હઠાગ્રહ રાખતાં હોબાળાની સ્થિતિ સર્જાઇ હતી. વિફરેલા કર્મચારીઓએ જિલ્લા પંચાયતને જાણે માથે લીધી હતી. દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે આ કિસ્સામાં માનવ ધર્મ જળવાયો નથી તેમ કહીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એકતરફી છુટા કરવા ઠરાવ કરાશેતેવી કર્મચારીઓને ખાતરી આપી હતી. મહેકમ શાખા ૨માં ફરજ બજાવતા મહિલા કર્મચારી જીજ્ઞાાબેનના પતિનું શુક્રવારે અવસાન થયુ હતું. બીજી બાજુ આ દિવસે જ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ મહેકમના ૨૬ અને હિશાબીના ૧૦ ક્લાર્કને બઢતી આપી હતી. શનિવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃપાલીબેન મિસ્ત્રીએ પ્રમોશન મેળવનાર તમામ ક્લાર્કને હાજર થઇને સહિ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ જીજ્ઞાાબેન તેમના પતિનું અવસાન થયુ હોવાથી ઉપસ્થિત ન હતાં. આ મુદ્દે મહેકમ શાખાના કર્મચારીઓએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જાણ પણ કરી હતી. પરંતુ તેમણે વાત માન્ય નહીં રાખીને જીજ્ઞાાબેનને હાજર થવું જ પડશે. તેવો દુરાગ્રહ રાખ્યો હતો. જેના પગલે ફરી ફોન કરાતાં મહિલા કર્મચારી ચોધાર રડતાં જિલ્લા પંચાયતમાં આવ્યા હતાં અને સહિ કરી હતી. આ વાત આગની જેમ કચેરીની તમામ શાખામાં ફેલાઇ હતી અને કર્મચારીઓ આગબબુલા થઇને રજુઆત કરવા પ્રમુખની ચેમ્બરમાં ધસી આવ્યા હતાં. સાથે જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલે આ મુદ્દે જણાવ્યું કે આ સારૃ થયું નથી. માનવ ધર્મનું પાલન થયું નથી અને આવી અધિકારીની આવી વર્તણૂક ચલાવી લેવાશે નહીં. તેમણે એમપણ કહ્યું કે આ મુદ્દે ડેપ્યુટી ડીડીઓ હસ્તકની તમામ કામગીરી પરત લઇ લેવા અને ન્યાયિક પગલા ભરવા જિલ્લા વિકાસ અધિકારીને જણાવાશે. વધારામાં સામાન્ય સભામાં આ મુદ્દો લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એકતરફી છુટા કરીને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કરાશે.

Back to top button
error: Content is protected !!