ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના 2 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના 2 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સિવિલમાં અત્યારે 33 વર્ષીય વર્ષીય યુવક અને એક 27 વર્ષની સગર્ભા મહિલા સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સીઝનલ ફ્લૂ સામેની આગોતરી સજ્જતા અને રોગચાળાના નિયંત્રણની સમીક્ષા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પ્રથમ કેસમાં 33 વર્ષીય યુવક છેલ્લા ચાર દિવસથી ઠંડી સાથે તીવ્ર તાવ, શરદી-ઉધરસ અને માથાના અસહ્ય દુખાવાની તકલીફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબી તપાસ અને લેબોરેટરી રિપોર્ટમાં તેનો એચ વન એન વન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની હિસ્ટ્રી તપાસતા તે તાજેતરમાં અજમેરની મુલાકાતેથી પરત ફર્યો હોવાનું ખુલ્યું છે. રાહતની વાત એ છે કે તેના પરિવારના અન્ય કોઈ સભ્યમાં હજુ સુધી આ લક્ષણો જોવા મળ્યા નથી. તો બીજા કેસમાં 27 વર્ષીય મહિલા ગળામાં બળતરા, તાવ, શરદી અને સૂકી ઉધરસની સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. લેબોરેટરી પરીક્ષણમાં આ મહિલાનો રિપોર્ટ પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં સિવિલના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન અને તમામ જિલ્લા-મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી H1N1ના કેસો સામે આવી રહ્યા છે અને ત્યાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ મારફતે લોકોનું ગુજરાતમાં સતત આવાગમન રહે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને દર્દીઓની હાલત સ્થિર હોવાથી નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
સરાકરે તમામ સરકારી હોસ્પિટલોમાં વર્ષ 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવા તેમજ તમામ સિવિલ હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) મુજબ, જો દર્દીમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સંપર્ક કરવો.
-
તીવ્ર તાવ અને શરદી-ઉધરસ
-
ગળામાં બળતરા કે દુખાવો
-
શ્વાસ લેવામાં તકલીફ પડવી
-
શરીર અને સ્નાયુઓમાં અતિશય દુખાવો




