GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના પથ પર ભારતની આગેકૂચ

પીએમ મોદીના 11 વર્ષ: ગુજરાતે કરી પ્રગતિ બેમિસાલ

2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનું સુકાન સોંપ્યું હતું. 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધા પછી શ્રી નરેન્દ્ર મોદીજીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી અને અમલમાં મૂકી. આજે સરકારની તમામ પ્રમુખ યોજનાઓ ગરીબોના જીવનમાં બદલાવ લાવી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. 26 મે, 2025ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મોદી સરકારના આ સફળ 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે.

ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉદ્યોગ-વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં વિકાસની લાંબી છલાંગ લગાવી રહ્યું છે. ગુજરાત પોતાના સપૂત અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે તત્પર છે. મને યાદ છે કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ નો મંત્ર આપ્યો હતો. પરિણામે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની જવાબદારી ખૂબ વધી જાય છે.

ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં ગામડાઓ, ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે. હકીકતમાં, મોદીજીએ ગરીબીને જીવી છે, એટલે જ તેઓ ગરીબોના દુઃખ અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેને દૂર કરવા માટે તેઓ એવી યોજનાઓ અમલમાં મૂકે છે જે ગરીબોને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, મોદી સરકારના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળમાં દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

અમે ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકારે છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને તેમની જિંદગીમાં બદલાવ લાવવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશનમાં અમે ‘જ્ઞાન-GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી)ના વિકાસને પણ વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે તેમના માટે દેશમાં ફક્ત ચાર જાતિઓ- ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે, અને તેઓ તેમના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ક્રમશઃ 8 લાખ 98 હજાર અને 5 લાખ 77 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.65 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે રાજ્યના 68.68 લાખ ખેડૂત કુટુંબોને ₹6000ની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. રાજ્યમાં 48,60,046થી વધુ શૌચાલયોનું નિર્માણ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ 4,79,141 શેરી વિક્રેતાઓને લોન સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 43 લાખથી વધુ નિઃશુલ્ક એલપીજી ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 1,92,98,001 લોકોના બેંક અકાઉન્ટ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 1,51,84,855 ખાતાઓમાં ₹1,29,407 કરોડની લોન, પીએમ સૂર્યઘર યોજના હેઠળ 3.55 લાખ સોલાર રૂફટોપ પેનલની સ્થાપના, આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ગુજરાતના 70 ટકા નાગરિકો એટલે કે 4.80 કરોડથી વધુ લોકોનું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ રજિસ્ટ્રેશન અને 10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોના સંચાલન સાથે ગુજરાત પોતાના સાડા છ કરોડ નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુવાનોના સપનાઓને આપી નવી પાંખ 

યુવા વર્ગ ભારતની સૌથી મોટી તાકાત છે અને ભારત પોતાના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મોટો લાભ મેળવવા માટે સજ્જ છે. મોદીજીના શાસનમાં દેશના યુવા વર્ગને તે તમામ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે તેમના સપનાઓને નવી પાંખો આપી રહી છે.

ગુજરાતે યુવાશક્તિની ક્ષમતાઓને ઓળખીને અનેક કાર્યક્રમો અમલી બનાવ્યા છે. શિક્ષણથી લઇને નવા ઉદ્યોગોની સ્થાપના અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સરકારનું પ્રદર્શન ઘણું નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU), રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU) અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ કાર્યરત છે. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં GFSU અને RSUને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો આપ્યો છે, અને તે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી બની છે. આ ઉપરાંત, ગત 11 વર્ષોમાં ગુજરાતમાં 22 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે 4300 નવી મેડિકલ સીટ્સ ઉપલબ્ધ થઈ છે.

અમે રાજ્યના યુવાનોને રોજગારીની વ્યાપક તકો પ્રદાન કરવા માટે નવા અને ઉભરતા ક્ષેત્રોના ઉદ્યોગોની સ્થાપના પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રના બિઝનેસને આકર્ષિત કરવા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનની રચના કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની કેટલીક મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આગળ આવી છે. તેના કારણે ગુજરાત ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.

ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2014 પછી દેશમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો એક નવો યુગ શરૂ થયો છે. તેમની સરકાર છેલ્લા 11 વર્ષોમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે ભારતીય સંસ્કૃતિ, તેના વારસા અને પરંપરાઓને એક નવી ઉંચાઈ પર લઇ ગઈ છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનમાં મહાકાલ લોક પ્રોજેક્ટ થકી ભારતના આધ્યાત્મિક સ્થળોની કાયાપલટ થઈ છે. તેમણે ભારતના યોગ અને આયુર્વેદ જેવા પ્રાચીન વારસાને પણ વૈશ્વિક ફલક પર સ્થાપિત કરી દીધા છે.

ગુજરાત સરકાર પણ ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સોમનાથ, અંબાજી, પાવાગઢ, માધવપુર અને દ્વારકા જેવા મોટા અને પ્રમુખ યાત્રાધામોના વિકાસ ઉપરાંત નાના-નાના ધાર્મિક સ્થળોનો પણ શાનદાર વિકાસ કરી રહી છે.

વિકસિત ભારત-સશક્ત ભારત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત @2047’ એટલે કે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી નવતર પહેલો સાથે વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. પરિણામ એ આવ્યું છે કે હવે ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત 4 ટ્રિલિયન ડોલરથી વધુની જીડીપી સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદીઓ અને તેમના આકાઓને જડબાતોડ જવાબ આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે દેશ હવે કોઈપણ આતંકી હુમલાને સહન નહીં કરે, અને દરેક આતંકી હુમલાનો જવાબ સૈન્ય કાર્યવાહી દ્વારા આપવામાં આવશે. આ નવા ભારતના મજબૂત નેતૃત્વ અને બદલાયેલા મિજાજને પ્રતિબિંબિત કરે છે.

વડાપ્રધાનશ્રીના પદચિહ્નો પર આગળ વધતું ગુજરાત

ગુજરાતમાં અમારી સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર આગળ વધીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તત્પર છે. શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સરકારોના કાર્યકાળ દરમિયાન ગુજરાત સાથે થયેલા અન્યાયનો સ્વયં અનુભવ કર્યો છે, એટલે તેમણે ગુજરાતની તે તમામ ન્યાયોચિત માંગોને જ પૂરી નથી કરી, પરંતુ રાજ્યને અનેક ભેટ પણ આપી છે. મોદીજીએ વડાપ્રધાન પદની શપથ લીધાના 17 જ દિવસોમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે.

આ ઉપરાંત, વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને ભારતનું પ્રથમ આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA), સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, AIIMS-રાજકોટ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ, તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન યુનિટ, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, પીએમ મિત્ર પાર્ક, વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની ભેટ આપી છે.

Back to top button
error: Content is protected !!