GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, સમયમર્યાદામાં હકારાત્મક નિવારણ લાવવા સૂચના અપાઈ

તા.૨૬/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના કોઈ પણ વ્યક્તિના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ૦૬ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, નળ કનેકશન, કુટુંબ પેન્શન વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોની અરજીઓને ધ્યાનપૂર્વક સાંભળીને અરજદારોની સમસ્યાનો સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગને સૂચના આપી હતી.

“જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારશ્રી વિનોદભાઇ બાબુભાઇ ગેવરીયા દ્વારા જેતપુર તાલુકાના પિપળવા ગામે સર્વે નં.૨૮૦ પૈકી ની ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી બાબત, ચેક ડેમ તોડી પાડી ખેડુતોને નુકશાન થવા સંબંધે જરૂરી પગલા લેવા રજુઆત કરવામાં આવી હતી. આ અંગે દિન-૧૫ માં નિરાકરણ લાવવા અને ખનીજ ચોરી સંબંધે જરૂરી પગલા લેવા માટે કલેકટરશ્રીએ સુચના આપી હતી. અરજદારશ્રીને સમજુત કરી પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

“રાજકોટ શહેર ખાતે આવેલ ન્યુ મહાવીર નગર કો.ઓ.હા.સો.ના સંચાલનના વિવિધ પ્રશ્નો સંબંધે અરજદારશ્રી ભગવાનજીભાઈ બાવળીયા વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ(હાઉસીંગ),રાજકોટ ખાતે તપાસ ચાલુ હોય જિલ્લા સમાહર્તાશ્રી જોષીએ તપાસ એક માસમાં પુર્ણ કરી પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા સુચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરી સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ઝડપી ત્વરિત અને પારદર્શક સેવા પૂરી પાડવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એક દીવાદાંડી રૂપ બનીને ઉભરી આવ્યો છે.”

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી, નાયબ પોલિસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ, રજીસ્ટ્રારશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મહાનગરપાલિકા, દફતર ભવન, પોલિસ વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!