HALVAD:હળવદ ૧૭ વર્ષથી નાસતા ફરતા વિજ વાયર ચોરીના આરોપીને પંચમહાલથી ઝડપી પાડ્યો

HALVAD:હળવદ ૧૭ વર્ષથી નાસતા ફરતા વિજ વાયર ચોરીના આરોપીને પંચમહાલથી ઝડપી પાડ્યો
હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ સીમમાંથી ₹૧.૪૫ લાખથી વધુની કિંમતના વિજ વાયરની ચોરીના ગુનામાં આરોપી આખરે પોલીસની ગિરફ્તમાં
હળવદ તાલુકાના કેદારીયા તથા રણજીતગઢ ગામની સીમ વિસ્તારમાંથી વીજ થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવાના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી પંચમહાલ જિલ્લામાંથી હળવદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ ગામની સીમમાંથી વીજ થાંભલા પર ફીટ કરેલ ૫,૮૫૦ મીટર લંબાઈનો એલ્યુમિનિયમનો વીજ વાયર (કિંમત રૂ. ૧,૪૫,૬૬૬/-) ચોરી થવા અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી તરીકે ચીમન છીતાભાઈ બારીયાનું નામ ખુલવા પામ્યું હતું. ઘટના બાદ આરોપી સતત પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસ પકડથી દૂર ભાગતો હતો.
દરમિયાન, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાસ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી અને તાંત્રિક વિગતોના આધારે પંચમહાલ જિલ્લા ખાતે દરોડો પાડી છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપી ચીમન ઉર્ફે ટીનાભાઈ છીતાભાઈ ઉર્ફે રયજીભાઈ બારીયા (હાલ રહે. વાવકુલી, તા. ઘોઘંબા, જી. પંચમહાલ / મૂળ રહે. રૂપારેલ તથા ભોજપુરા, તા. ઘોઘંબા) ને ઝડપી લીધો હતો.
હળવદ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ૧૭ વર્ષ જૂના ગુનાનો ઉકેલ લાવી હળવદ પોલીસે સફળ કામગીરી દર્શાવી છે.










