RAMESH SAVANI

Ramesh Savani : ખેડૂતો સાથે થતી છેતરપિંડી/ ઠગાઈ/ વિશ્વાસધાત/ બળજબરીને રોકવા સરકાર જાગશે?

ગામડાના સરળ/ ભોળા લોકોનો, ઠગ અને હરામી ઈસમો કઈ રીતે શિકાર કરે છે, તેની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથડ ગામે ખેતી તથા ખેત પેદાશોના વેચાણમાં કમિશનનો ધંધો કરતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા-આહીર (50)ના પરિવાર પર દુ:ખ-મુસીબતોનું આકાશ તૂટી પડ્યું છે.
ભાયાભાઈની પુત્રી મીતુબેને (23) 4 ઓક્ટોબર 2023ના રોજ, જામ ખંભાળિયા પોલીસ સમક્ષ ફરિયાદ લખાવી છે કે “હું જામનગર લો કોલેજમાં બીજા વર્ષમાં LLBનો અભ્યાસ કરું છું. અમે પાંચ બહેનો છીએ અને એક ભાઈ છે. ચાર વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામના રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા મારા પપ્પાના પરિચયમાં આવેલા. મારા પપ્પાએ 2021 થી ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પાસેથી બાકીમાં ચણા અને મગફળીની કમિશન પર ખરીદી કરી માલ રમેશભાઈ પિઠીયાને પહોંચતો કરતા હતા. બે વર્ષ સારો વેપાર ચાલ્યો. દરમિયાન રમેશભાઈના ભત્રીજા મુળુભાઈ બાબુભાઈ પિઠીયા અને અજય બાબુભાઈ પિઠીયા ભાડથર આવેલ અને રમેશભાઈ પિઠીયાને પૈસાની જરૂર હોય બેંકના કાગળો તૈયાર કરાવી એક્સિસ બેન્ક માંગરોળ શાખામાંથી મારા પપ્પાના નામે આશરે 15 લાખ જેટલી લોન ઉપાડી તેઓ લઈ ગયા. તે પછી આ રમેશભાઈની દીકરી ના લગ્ન હતા ત્યારે મારા પપ્પાએ 17 લાખ તેમને આપેલ હતા અને આ પછી અમુક ખેડૂતને ચણાની ખરીદી પેટે રકમ ચૂકવવાની બાકી હતી, તેથી મારા પપ્પાએ કોઈ પાસેથી પૈસા લઈ અમુક ખેડૂતોને 26 લાખ ચૂકવેલ હતા. આ પછી ચાલુ વર્ષ 2023 ની શરૂઆતથી આજ સુધી ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોની 14,642 મણ મગફળી તથા 1,995 મણ ચણા મળી રૂપિયા 1 કરોડ 91 લાખ મારા પપ્પાને, રમેશભાઈ પિઠીયા તથા તેના દીકરા ક્રિષ્નાભાઈ પિઠીયા પાસેથી લેવાના બાકી હતા. આ રકમની ઉઘરાણી માટે મારા પપ્પા તેમની પાસે જતા હતા પરંતુ આ રમેશભાઈ / તેનો દીકરો ક્રિષ્નાભાઈ/ તેની પેઢીના વહિવટ કરતા તેના ભાણેજ મુકેશભાઈ/ તેના ભત્રીજા મૂરુભાઈ પિઠીયા / અજય પિઠીયા/ તેના ભત્રીજા જમાઈ રોહિત/ વહિવટકર્તા સંજય બારડ વગેરેએ મારા પપ્પાને કહેલ કે અમારે પૈસા આપવાના થતાં નથી, થાય તે કરી લેજો. પોલીસ ફરિયાદ કરશો તો સારાવાટ નહીં રહે. તેવી ધમકી આપતા હતા. આ વાત મારા પપ્પાએ ઘેર આવી અમને કરેલ. મારા પપ્પા ઘણા સમયથી ગૂમસૂમ રહેતા હતા. ખંભાળિયા/ કલ્યાણપુર તાલુકાના ખેડૂતો મારા પપ્પા પાસે ચણા/મગફળીના પૈસાની સતત ઉઘરાણી કરતા હતા. ખેડૂતોને મોટી રકમ ચૂકવવાની બાકી હોય મારા પપ્પા ટેન્શનમાં રહેતા હતા. આરોપીઓ કુલ રુપિયા 2 કરોડ 49 લાખની ચૂકવણી કરવાનો ઈન્કાર કરતા હતા, તેથી મારા પપ્પા ત્રાસી ગયા હોવાથી 3 ઓક્ટોબર 2023ના રોજ વહેલી સવારે મારા પપ્પા ઘર છોડીને જતા રહેલ. અને વાડી માર્ગે ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરેલ.” પોલીસે IPC કલમ-306/ 506(2)/ 114 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
થોડાં પ્રશ્નો : [1] ભાયાભાઈને આત્મહત્યા કરવા મજબૂર શામાટે થવું પડ્યું? 2 કરોડ 49 લાખની ચૂકવણી બાકી હોય અને તેમાં મોટી રકમ ચણા/ મગફળીની ખરીદી પેટે ખેડૂતોને ચૂકવવાની હોય ત્યારે આવી ઠગાઈની ફરિયાદ પોલીસ નોંધી આરોપી ઈસમો સામે કાર્યવાહી કરી હોત તો ભાયાભાઈને આત્મહત્યા કરવાની જરુર પડત નહીં. ખેડૂતોના શોષણ અંગેની પોલીસ ક્યારેય ફરિયાદ નોંધતી નથી. બિયારણમાં ભેળસેળ / નકલી જંતુનાશક દવા/ ઉપજની ખરીદી / વ્યાજખોરોનો ત્રાસ વગેરે બાબતે પોલીસ ગુનો દાખલ કરતી નથી; એટલે ખેડૂતો લાચાર બની આત્મહત્યાનો રસ્તો લે છે. શું સરકાર આ બાબત જાણતી નથી? જો જાણે છે તો ખેડૂતોને ત્રાસ આપનારા ઈસમો સામે FIR શામાટે નોંધાતી નથી? [2] ભાયાભાઈ ચાવડાને 50 વર્ષની ઉંમરે 6 સંતાનોને મૂકી આત્મહત્યા કરવી પડે; આ કરુણ ઘટના માટે જવાબદાર ઈસમો સામે પોલીસ પૂરતા પુરાવા એકત્ર કરી સજા અપાવશે? [3] શું ખેડૂતો સાથેની આ છેતરપિંડી નથી? ચણા/ મગફળી ખરીદનાર જવાબદાર નહીં? જે ખેડૂતોએ ચણા/મગફળીનું વેચાણ કર્યું છે પરંતુ પૈસા મળેલ નથી, તેમની સ્થિતિ કેવી કફોડી થશે? શું તેઓ વ્યાજખોરોનો શિકાર નહીં બને? [4] શું આ ઘટનામાં ઠગાઈ/ ગુનાહિત વિશ્વાસઘાત/ ગુનાહિત કાવતરું / આરોપીઓનો સામાન્ય ઈરાદો જણાતો નથી? પોલીસે IPCની સંબંધિત કલમ-34/ 120B/ 406/ 417 કેમ લગાડી નહીં હોય? [5] ગુનાહિત વિશ્વાસઘાત માટે IPC કલમ- 406 હેઠળ 3 વરસ સુધીની કેદની સજા છે, તે વધારીને 10 વરસ સુધીની કેદની સજાની જોગવાઈ કરવાની જરુર નથી? ઠગાઈ માટે IPC કલમ-417 હેઠળ 1 વરસ સુધીની કેદની જોગવાઈ છે, તે વધારીને 10 વરસ સુધીની કેદની સજાની જોગવાઈ કરવાની જરુર નથી? સમાજમાં ઠગાઈ/ ગુનાહિત વિશ્વાસઘાતના ગુનાઓમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે આ ગુનાઓ માટે મામૂલી સજા ઠગો/ વિશ્વાસઘાતીઓ માટે મોકળું મેદાન બની ગયું છે. શું આ બાબતે વિચારવાની જરુર નથી? ઠગાઈ અને ગુનાહિત વિશ્વાસઘાત એક પ્રકારની બુદ્ધિપૂર્વકની લૂંટ નથી? [6] રાજ્યના ખેડૂતો સાથે થતી છેતરપિંડી/ ઠગાઈ/ વિશ્વાસધાત/ બળજબરીને રોકવા રાજ્ય કક્ષાએ એક અલગ સેલ હોવો જોઈએ કે નહીં? પોલીસ દારુ/ જુદારના માંગ્યા કેસ કરે છે, તેના કરતા ખેડુતોને થતી હેરાનગતિ પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરુર નથી? ભાયાભાઈ ચાવડાએ ત્રાસી જઈને આત્મહત્યા કરી તે રીતે બીજા ખેડૂતો આત્મહત્યા કરે ત્યાં સુધી સરકાર/ ગૃહ વિભાગ/ રાજ્યના પોલીસ વડા રાહ જોશે? સંવેદનબધિર સરકાર જાગશે?rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!