GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન શરૂ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના અત્યંત વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા નાગર નિયોજક તથા દબાણ શાખા દ્વારા સંયુક્ત રીતે આજે સવારે ૧૧ કલાકે જેસીબી મશીનો. અને જરૂરી કાફલા સાથે દૂધિયા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને દૂર કરી નાગરિકોની અવરજવરને સુગમ બનાવવાનો છે.

દૂધિયા તળાવ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતો માર્ગ શહેરના ટ્રાફિક માટે મુખ્ય કડી સમાન છે. આ માર્ગ પર ત્રણ મુખ્ય રસ્તાઓનો સંગમ થતો હોવાથી, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા વારંવાર કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ અત્યારે જે ૧૦.૫૦ મીટરનો સાંકડો રસ્તો છે, તેને વધારીને ૧૮ મીટર પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રસ્તો પહોળો થવાથી ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો થશે.

મહાનગરપાલિકાની આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયાને આધીન છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ અને GPMC એક્ટની વિવિધ કલમો હેઠળ દબાણકર્તાઓને પૂર્વ નોટિસ આપીને નિયમ અનુસાર આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દૂધિયા તળાવથી છાપરા રોડ તરફ જતો રસ્તો જે ટ્રાફિકનું મુખ્ય કેન્દ્ર હતો, ત્યાં હવે તબક્કાવાર રીતે તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે જેથી ભવિષ્યમાં રસ્તાના વિકાસમાં કોઈ અવરોધ ઉભો ન થાય, આ મેગા ડિમોલિશનની કામગીરીને કારણે દૂધિયા તળાવ અને આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.મહાનગરપાલિકા આ સરાહનીય કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ પાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે, જેથી નવસારી શહેરને વધુ સુવિધાયુક્ત અને ટ્રાફિકમુક્ત બનાવી શકાય.

Back to top button
error: Content is protected !!