GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામને મળી એસટી બસની ભેટ: સરપંચ-તાલુકા સદસ્યની રજૂઆત રંગ લાવી.

 

તારીખ ૦૯/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની લાંબા સમયની માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. ગામના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા એસ.ટી. વિભાગમાં કરવામાં આવેલી સઘન રજૂઆત બાદ ગામમાં નવી એસ.ટી. બસ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાદરોલી બુઝર્ગ ગામથી રોજના ૬૦ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓ શાળા-કોલેજના અભ્યાસ અર્થે કાલોલ ખાતે અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત મજૂર વર્ગ અને અન્ય નોકરિયાતો પણ કાલોલ આવ-જા કરે છે. પૂરતી પરિવહન સુવિધાના અભાવે આ તમામને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને ભાદરોલી બુઝર્ગના મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર તથા કાલોલ તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ પી. બેલદાર દ્વારા ગત તારીખ ૨૬-૦૬-૨૦૨૫ ના રોજ ડેપો મેનેજરને લેખિતમાં સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં શાળા-કોલેજના સમયને ધ્યાનમાં રાખીને સવારે ૮:૦૦ કલાકે ભાદરોલી બુઝર્ગથી કાલોલ અને સાંજે ૫:૩૦ કલાકે કાલોલથી પરત ભાદરોલી બુઝર્ગ માટે બસ ફાળવવામાં આવે.

દેશના વડાપ્રધાનશ્રીના “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનને સાર્થક કરવા માટે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માટે પડતી પરિવહનની મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવી જરૂરી છે.સ્થાનિક આગેવાનોની આ પ્રજાલક્ષી રજૂઆતને એસ.ટી. નિગમ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે ગામ માટે બસની ફાળવણી કરવામાં આવી હતી.ગામમાં પ્રથમ વખત એસ.ટી. બસ (વાયા ભાદરોલી-કાલોલ રૂટ) નું આગમન થતાં ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે બસને ફૂલહાર પહેરાવી તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી હવે વિદ્યાર્થીઓનો સમય બચશે અને તેઓ સુરક્ષિત રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે તેવો સંતોષ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!