
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કેશોદ ડેપોને વધુ એક મહત્વપૂર્ણ ભેટરૂપે બે નવી બસોની ફાળવણી કરવામાં આવી છે આ બંને નવી બસો હવે કેશોદ નાથદ્વારા રૂટ પર નિયમિત રીતે દોડશે જેના કારણે આ રૂટ પર મુસાફરી કરતા હજારો યાત્રિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સમયબદ્ધ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ બનશે નવી બસોના પ્રારંભ પ્રસંગે કેશોદ એસટી ડેપો ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે વિધિવત પૂજા-અર્ચના બાદ લીલી ઝંડી બતાવી બસોને રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિક્ષાબેન દેવળીયા, કેશોદ એસટી ડેપોના મેનેજર બી.જી. ભીલ, કેશોદ પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા, તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ નિકુંજભાઈ મક્કા સહિત રાજકીય આગેવાનો, એસટી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મળતી માહિતી મુજબ નવી બસ કેશોદથી બપોરે 12:30 વાગ્યે નાથદ્વારા જવા માટે રવાના થશે અને બીજા દિવસે સવારે અંદાજે 5:00 વાગ્યે નાથદ્વારા પહોંચશે. પરત ફરતી બસ નાથદ્વારાથી વહેલી સવારે 3:45 વાગ્યે ઉપડી સવારે આશરે 7:00 વાગ્યે કેશોદ પહોંચશે. આ સમયપત્રકથી ધાર્મિક યાત્રા માટે જતા તેમજ અન્ય મુસાફરોને નોંધપાત્ર સુવિધા મળશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે એસટી દ્વારા સતત મુસાફરોને વધુ સારી અને આધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે નવી બસોની ફાળવણીથી કેશોદ ડેપોની સેવા વધુ મજબૂત બનશે અને નાથદ્વારા રૂટ પર મુસાફરી કરતા યાત્રિકોને ગુણવત્તાસભર સેવા મળશે નવી બસોના પ્રારંભને સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા આવકારવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ એસટી વિભાગને અભિનંદન પાઠવી મુસાફરોને સુરક્ષિત અને સુખદ મુસાફરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





