સરકારી ITI કાજ મુકામે “યુવાનો જાગશે, ભારત નશામુક્ત બનશે.” વિષય પર સેમિનાર યોજાયો.

જિલ્લા કાનુની સેવા સત્તામંડળ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા સરકારી ITI કાજ ખાતે “ડ્રગ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત NALSA ની નશામુક્તિ અને કાનૂની જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય હેતુ યુવાનોને નશીલા પદાર્થોના દુષ્પરિણામોથી માહિતગાર કરી નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃત કરવાનો હતો.
સેમિનારમાં વિદ્યાર્થીઓને ગાંજો, ચરસ, હેરોઇન, કોકેઈન, સિન્થેટિક ડ્રગ્સ સહિતના વિવિધ નશીલા પદાર્થો તથા તેના કારણે થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે NALSA (National Legal Services Authority) દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સહાય, કાનૂની જાગૃતિ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મળતી કાનૂની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નશાની લત ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે માનવતાપૂર્ણ અભિગમ રાખી તેમને યોગ્ય સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસન તરફ દોરી જવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
યુવાનોને નશાથી દૂર રહેવા તથા પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા,ફોરમેન બીનાબેન ડોડિયા, સુપરવાઈઝર એ.બી.વૈશ,એસ.કે.પઢિયાર, એ. આર.વાળા,એસ.વી. ગોહીલ,એમ.આર.વંશ, એચ.આર. સાખટ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.




