GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત-અભિવાદન; આસ્થાના અધિષ્ઠાતા સોમનાથ મહાદેવ દેવાલયમાં ડમરુના નાદ સાથે હર હર મહાદેવનો નારો ગુંજ્યો

સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી
૦ :: ૦૦૦ :: ૦

સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા શ્રી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી
૦ :: ૦૦૦ :: ૦

વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું
૦ :: ૦૦૦ :: ૦

માહિતી વેરાવળ: ૧૧ મે, ૨૦૨૬

ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા.

વડાપ્રધાનશ્રીના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાનશ્રીએ સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનશ્રીને હરખભેર આવકાર્યા હતા.

મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે વડાપ્રધાનશ્રીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદારશ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાનશ્રી નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ અવસરે વડાપ્રધાનશ્રીએ સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા. આ પવિત્ર ઘડીએ એર ફોર્સના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેની સાથે સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ’ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા દિલધડક એર શોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. વડાપ્રધાનશ્રીએ મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને અંકિત કરતા પ્રદર્શનની પણ આ તકે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!