ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં ‘આનંદદાયી શનિવાર’ અને ‘બેગલેસ ડે’નો પ્રારંભમાં બાળકોએ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું
શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગમાં બાળકો દફતર વિના ભણ્યા અને ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં ‘આનંદદાયી શનિવાર’ અને ‘બેગલેસ ડે’નો પ્રારંભમાં બાળકોએ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગમાં બાળકો દફતર વિના ભણ્યા અને ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “ભાર વિનાના ભણતર” અભિગમ હેઠળ શરૂ કરાયેલા “આનંદદાયી શનિવાર” અને “બેગલેસ ડે” કાર્યક્રમનો ગત શનિવારના રોજ ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે રાજ્યવ્યાપી પ્રારંભ થયો હતો.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળાના બાળકોને આનંદ સાથે જ્ઞાન પૂરું પાડવાનો છે.
શાળામાં બાળકોની સુષુપ્ત શક્તિઓના વિકાસ અને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્તિના હેતુસર સમૂહ કવાયત, યોગ, સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્વચ્છતા પ્રદર્શન પણ યોજાયું હતું.
શિક્ષકો દ્વારા દફતર વગર પણ ભણાવી શકાય તેવા વિવિધ પ્રોજેક્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ માપન પ્રોજેક્ટ અંતર્ગત ગુંજાશ વિશે પ્રાયોગિક સમજ મેળવી. તેમણે ૧, ૨, ૫ લીટર પાણીમાંથી ૧૦૦ml, ૨૦૦ml અને ૫૦૦ml ના માપીયા કેટલા ભરાય તેવા પ્રોજેક્ટ્સ દ્વારા જાતે જ્ઞાન મેળવ્યું.
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ પણ માપન પ્રોજેક્ટ હેઠળ વિવિધ ચોરસ અને લંબચોરસ વસ્તુઓની લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ માપીને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. બાળકોએ અનુભવ્યું હતુ કે થિયરી કરતાં પ્રાયોગિક જ્ઞાન વધુ અસરકારક અને યાદગાર હોય છે.
આ કાર્યક્રમમાં બાળ સભા પણ યોજાઈ હતી, જેમાં બાલવાટિકાથી ધોરણ ૮ સુધીની કન્યાઓએ વિવિધ નૃત્યો દ્વારા આ શનિવારને ખરા અર્થમાં આનંદદાયી બનાવ્યો. શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણે આ નવતર અભિગમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



