હાલોલ કોર્ટ દ્વારા ૧૦ લાખના ચેક રિટર્ન ની ખોટી ફરીયાદ કરનાર ફરીયાદી ઉપર કારણ દર્શક નોટિસ કાઢી આરોપીને નિર્દોષ મુકયો.

તારીખ ૦૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ન્યાયીક કાર્યવાહીમાં ખોટા પુરાવા રજૂ કરતા ફરીયાદી સામે આવકવેરા વિભાગને પણ જાણ કરવા કોર્ટનુ અવલોકન
ચેક એ નાણા ચુકવવા માટે ની વિશ્વાસપાત્ર ગેરંટી છે પણ ચેક ના દુરુપયોગ ના વધી રહેલા કિસ્સાઓ પરત્વે હાલોલના નામદાર એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપી ખુબ જ ઝીણવટભરેલ આવલોકન કરાયુ છે જેમાં નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ સમગ્ર ભારતમાં એન આઈ એક્ટ ના ૧.૩ મિલિયન કેસો વિચારાધીન છે. જે પૈકી 30 થી 35% કેસો બેન્કિંગ અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ દ્વારા દાખલ કરવામાં આવ્યા હોય તેવું માની લઈએ તો બાકીના 65 થી 70 ટકા જેટલા કેસો ખાનગી વ્યક્તિઓ દ્વારા મોટેભાગે મિત્રતા ના નાતે હાથ ઉછીના આપ્યા હોવાની વિગતે દાખલ કરવામાં આવે છે.આવોજ કિસ્સો પ્રકાશમા આવ્યો છે જેમાં ફરિયાદી ઉપર કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેવી નોટિસ સહિત આવકવેરા અધિકારીને જાણ કરવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.હાલોલ ની પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા પ્રકાશકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વડોદરામાં દંતેશ્વર તરસાલી રીંગરોડ ખાતે રહેતા વિશાલ રજનીકાંત પટેલ સામે એકબીજાને ઓળખતા હોવાના અને મિત્રતાના સંબંધને નાતે અમેરિકા જવા માટે વિઝાની ફાઈલ મુકવા માટે ઉછીના નાણાં ની જરૂર પડતા આરોપીએ દસ લાખની માંગણી કરતા ફરિયાદી એ ટુકડે ટુકડે જુલાઈ 23 થી જાન્યુઆરી 2024 સુધી 10 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા જે નાણા ચૂકવવા માટે આરોપીએ ફરિયાદીને રૂપિયા પાંચ લાખના બે ચેક આપ્યા હતા જે બંને ચેક રિટર્ન થતા હાલોલ ના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નાગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા. આરોપી તરફે મુખ્ય બચાવ એવો હતો કે આરોપીએ આશિષ કનુભાઈ રાજપુત નામના વ્યક્તિ પાસેથી 6% ના વ્યાજે નાણા લીધા હતા અને તે પેટે 25 જેટલા ચેકો સહી કરીને આપ્યા હતા આરોપીએ આશિષ રાજપૂતને તમામ રકમ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત આપી દીધેલ પરંતુ આશિષ અને તેના મળતીયાઓ દ્વારા પોતાના સહી કરેલા ચેકોનો ગેરકાયદેસર રીતે રકમ મેળવવા માટે દૂરઉપયોગ કરવામાં આવે છે. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી એ ફરિયાદીની કરેલ ઉલટ તપાસમાં મહત્વની હકીકત ખુલી હતી કે ફરિયાદી આરોપીને કે તેના પરિવારને કોઈ પણ રીતે ઓળખતા નથી. પોતે સાથે ભણ્યા નથી કે સાથે નોકરી કરતા હોય તેવું પણ બન્યું નથી. ફરિયાદીને આરોપીને એકબીજાના ઘરે આવવા જવાનો પણ પ્રસંગ બન્યો નથી પોતે આરોપીને ક્યારેય ફોન કે વોટ્સએપ મેસેજ કરેલા નથી. જેથી ફરિયાદી આરોપી સાથે મિત્રતાનો નાતે નાણાકીય વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ સોગંધ પરની જુબાનીમાં જણાવે છે તે હકીકત ખોટી જણાઈ આવે છે. ફરિયાદી પોતે ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે રૂપિયા 45,000 ના માસિક પગારથી નોકરી કરે છે તેઓ પાસે છ સાત વર્ષ પહેલા ખરીદેલું એક એકટીવા છે. પુત્ર ના અભ્યાસ ની જવાબદારી છે જેથી ફરિયાદી પોતે આર્થિક રીતે સધ્ધર હોવા બાબતે કોઈ વિશ્વાસપાત્ર પુરાવો નથી વધુમાં ફરિયાદી પોતે એકાઉન્ટ હોવા છતાં અને ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ વાપરતા હોવાછતા પણ આરોપીને રૂપિયા દસ લાખ જેટલી મોટી રકમ ઓનલાઈન પેમેન્ટ થી આપેલ નથી તેવું સ્વીકારે છે. વધુમાં પોતાના ઇન્કમટેક્સ રિટર્ન માં પણ આ 10 લાખ રૂપિયા ના વ્યવહારનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પોતાની પાસે દસ લાખ રૂપિયા જેટલી રકમ હતી તેનો પણ કોઈ પુરાવો ફરિયાદી પાસે નથી. ચેક ની રકમ અલગ અલગ પેનથી ભરેલી છે તથા આ રકમ કોણે ભરી છે તે પણ ફરિયાદી ને ખબર નથી વધુમાં ઉલટ તપાસમાં ફરિયાદી એવી હકીકતનો પણ સ્વીકાર કરે છે કે પોતે આશિષ રાજપૂતને ઓળખે છે અને આરોપીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં આશિષ રાજપુત સહિત પોતાના ઉપર અને અન્ય કેટલાક ઈસમો સામે ગેરકાયદેસર નાણા ધીરધાર કરવા બાબતની ફરિયાદ અરજી કરેલ છે અને હાલના ફરિયાદી પ્રકાશ રાઠોડ ને પણ આરોપી તરીકે ઉમેરવા માટે પ્રક્રિયા કરવામાં આવી છે. સમગ્ર બાબતે નામદાર હાલોલ કોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરી વ્યાજખોર ઈસમો અને તેના મળતીયાઓ જરૂરિયાત મંદ લોકો પાસે નાણાના બદલામાં કોરા ચેક લેતા હોય છે હોય છે અને સહી વાળા રકમ ભર્યા વગર ના આવા ચેકોનો દૂરઉપયોગ કરતા હોય છે. ગેરકાયદેસર રીતે મિત્રતાના નામે કરવામાં આવતા આવા વ્યવહારો અને તેના પરિણામે કરવામાં આવતા આવા પ્રકારના કેસો પર નિયંત્રણ મૂકવામાં આવે તે આવશ્યક છે. વગર લાયસન્સે બેફામ વ્યાજ લઈ કાળા નાણા નુ સમાંતર અર્થતંત્ર ચાલી રહ્યુ છે જેનુ ઉદાહરણ હાલનો આ કેસ છે સમગ્ર વિગતે આશિષ કનુભાઈ પાસેથી આરોપીના ચેક મેળવી ખોટી હકીકત રજૂ કરી કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં ખોટો પુરાવો આપનાર ફરિયાદી પ્રકાશકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 193 મુજબની કાર્યવાહી કરવા નોટિસ આપવા અને રૂપિયા બે લાખથી વધુ રકમના વ્યવહાર બાબતે આવકવેરા અધિકારીને જાણ કરવાનો આદેશ કરી ફરિયાદી પોતાનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ ફરમાવતા કોરા ચેકોનો દુરુપયોગ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.






