વિશ્વ હાઇપરટેન્શન દિવસના અવસરે શહેરા બસ સ્ટેશન ખાતે આરોગ્ય જાગૃતિ કેમ્પ યોજાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: વિશ્વ હાઇપરટેન્શન દિવસ (17 મે)થી 16 જૂન 2025 સુધી ચાલી રહેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેરા બસ સ્ટેશન ખાતે આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા આરોગ્ય પંચાયત, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કેમ્પમાં હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોની નિઃશુલ્ક તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને બસ ડ્રાઈવરો, કંડક્ટરો, મુસાફરો, જી.આર.ડી. જવાન, એસ.ટી. સ્ટાફ, આસપાસના વેપારીઓ તથા જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને આરોગ્યની તપાસ કરાવી હતી.
આ અભિયાન અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો તથા અર્બન આરોગ્ય સ્ટાફની સક્રિય ભૂમિકા રહી હતી. કેમ્પનો મુખ્ય હેતુ લોકોને નાનાકીય લક્ષણો અને જીવલેણ બની શકે એવા રોગોથી પૂર્વસૂચિત કરવો તથા સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવો હતો.